રાજ્યની RTOમાં સવારે 6થી રાત્રે 9.20 સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકાશે, લાઇસન્સના ટેસ્ટનો લાંબો વેઇટિંગ પિરિયડ ઘટાડવા નિર્ણય

ગુરુવાર, 8 જુલાઈ 2021 (14:05 IST)
અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ડ્રાઇવિંગ લાઇસન્સ માટે જરૂરી ડ્રાઇવિંગ ટેસ્ટનો વેઇટિંગ પિરિયડ ઘટાડવા આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી સવારે 6 વાગ્યાથી રાતે 10.30 સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. કોરોનાને કારણે રાત્રિ કર્ફ્યૂ દરમિયાન રાત્રે 9.20 વાગ્યા સુધીમાં ટેસ્ટ પૂરો કરી દેવાશે. કોરોનાને કારણે મહાનગરોમાં ડ્રાઇવિંગ ટેસ્ટનો વેઇટિંગ પિરિયડ બે-અઢી મહિના લંબાવાયો છે. તાજેતરમાં બંદરો અને વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસે કરેલી સમીક્ષામાં આ વિગતો બહાર આવતા વેઇટિંગ પિરિયડ ઘટાડવા ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરીનો સમય વધારી સાડા 16 કલાક કરવાનો નિર્ણય લેવાયો છે.

પરિપત્ર મુજબ અમદાવાદ, અમદાવાદ પૂર્વ, રાજકોટ, સુરત અને વડોદરાની આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી બે શિફ્ટમાં થશે. પ્રથમ શિફ્ટ સવારના 6થી બપોરે 2.15 સુધીની અને બીજી શિફ્ટ બપોરે 2.15થી રાતે 10.30 સુધીની રહેશે. સવારે 6 વાગ્યે વેરિફિકેશનની કામગીરી થશે અને 6.30 વાગ્યાથી ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ થશે. મહિલા અરજદારોની સલામતી માટે સુરક્ષા જવાન મુકાશે. સુભાષબ્રિજ આરટીઓમાં હાલ રોજ ટુવ્હીલરના 260 અને કારના 175 ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાય છે. તેમાં પણ 15 ટકા અરજદારો ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા આવી શક્તા નથી. જો કુલ ટેસ્ટની સંખ્યામાં 15 ટકા વધારો કરાય તો પણ 45થી વધુ ટેસ્ટ વધી શકે છે. અગાઉ એક દિવસમાં ટુવ્હીલર, કારના મળી કુલ 475 ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાતા હતા. હાલ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ટુવ્હીલરના 13 ઓગસ્ટ અને કારમાં 1 સપ્ટેમ્બર પછી એપોઇન્ટમેન્ટના સ્લોટ મળે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર