સરકારી શાળામાં બાળકોના એડમીશન માટે વાલીઓની લાઈનો લાગી
ગુરુવાર, 16 જાન્યુઆરી 2020 (16:07 IST)
સુરતમાં મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઉત્રાણની મહારાજા કૃષ્ણકુમારસિંહજી શાળા ક્રમાંક નં 344 અને 346 શરૂ થયાના માત્ર ત્રણ વર્ષમાં જ એડમિશન માટે વિદ્યાર્થીઓની પડાપડી થઈ રહી છે. આજથી વર્ષ 2020-21 માટે એડમિશન પ્રક્રિયા શરૂ થતાની સાથે જ મહારાજા કૃષ્ણકુમારસિંહજી શાળામાં વાલીઓની લાઈનો લાગી ગઈ છે. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઉત્રાણમાં 2017માં 300 વિદ્યાર્થીની સંખ્યા સાથે મહારાજા કૃષ્ણકુમારસિંહજી શાળા ક્રમાંક નં 344 શરૂ કરવામાં આવી હતી. જોકે, બે જ વર્ષમાં અન્ય એક સ્કૂલ શ્રી પ્રમુખસ્વામી મહારાજ પ્રાથમિક શાળા ક્રમાંક 346ને મર્જ કરી વર્ગો વધારી દેવાની શિક્ષણ સમિતિને ફરજ પડી હતી. આ પાછળનું કારણ એ છે કે, સ્કુલમાં વર્ગની સંખ્યામાં વધારો કરી દેવામાં આવ્યો છે. વિદ્યાર્થીના સમાવેશ બાદ પણ હાલ નવા એડમીશન માટે વિદ્યાર્થીઓનો ઘસારો છે. નવા એડમિશન માટેની અરજીઓમાં 98 ટકા જેટલી અરજીઓ તો ખાનગી શાળામાં ભણતા વિદ્યાર્થીઓની છે. આ ઉપરાંત આ સ્કૂલના કેટલાક શિક્ષક અને સમિતિના કેટલાક શિક્ષકો જેઓ આ વિસ્તારમાં રહે છે તેના પણ કેટલાક બાળકો ઉત્રાણની સ્કૂલમાં અભ્યાસ કરે છે. જ્યારે આચાર્ય અને શિક્ષકોના બાળકો જ શાળામાં અભ્યાસ કરતાં હોય તેવી શાળામાં વાલીઓનો વિશ્વાસ પણ વધે છે. ડોક્ટરો, શિક્ષકો, બિઝનેસમેન સહિતના વ્યવસાય સાથે જોડાયેલા વાલીઓ પોતાના બાળકોને ખાનગી શાળામાંથી ઉઠાડી આ શાળામાં મૂકવા તૈયાર થયા છે. પરિણામે આ શાળામાં 400થી વધુ વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ ખાનગી શાળા છોડીને આ સરકારી શાળામાં અભ્યાસ કરી રહ્યાં છે.