૨૧ ફેબ્રુઆરી - વિશ્વ માતૃભાષા દિવસ'ની રાજ્ય કક્ષાની ઊજવણી અમદાવાદ ખાતે કરાશે

બુધવાર, 15 ફેબ્રુઆરી 2023 (09:49 IST)
21મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ છે. દરેક લોકોને તેની માતૃભાષા પર ગર્વ હોય છે. વર્ષ 1999થી દર વર્ષે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. આ દિવસે માતૃભાષાને લઈને ઘણા કાર્યક્રમોનું આયોજન પણ થતું હોય છે. આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વિશ્વ માતૃભાષાના દિવસે એટલે કે 21 ફેબ્રુઆરીએ અમદાવાદમાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે. રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યા પ્રમાણે હાથીની અંબાડી ઉપર ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ પુસ્તકો અને ગ્રંથોની  શોભાયાત્રા નિકળશે.
 
મંત્રીએ ઉમેર્યું કે, આ દિવસે સવારે હાથીની અંબાડી ઉપર ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ પુસ્તકો અને ગ્રંથોની ૨ કિ.મી. સુધી શોભાયાત્રા નિકળશે. આ કાર્યક્રમમાં પ્રસિદ્ધ કવિ અને લેખકો પોતાના વિચારો રજૂ કરશે. ગુજરાતી ભજન, ગીત, ફટાણા, ઊર્મિગીતો, લોકગીતોની શિક્ષકોની સંગીત ટીમો દ્વારા સામ-સામે રજૂઆત કરાશે.
 
મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, ગુજરાતી ભાષાનું પ્રસિદ્ધ ગીત જય સોમનાથ, જય દ્વારકેશની વેશભૂષા સાથે પ્રસ્તૃતિ કરાશે. વિશ્વ માતૃભાષા દિવસની થીમ પર રંગોળી તથા“મારી ભાષા મારૂં ગૌરવ’’ વિષય પર બાળકો અને શિક્ષકો દ્વારા સૂત્રોની પ્રસ્તુતિ કરાશે. જેનું રાજ્યમાં ૧૦૦ જેટલા સ્થળોએ નિદર્શન કરવામાં આવશે.
 
મંત્રીએ વધુમાં જણાવ્યું કે, સવારે ૦૯-૦૦ થી ૧૧-૩૦ દરમિયાન ચાલનારા કાર્યક્રમનું BISAG દ્વારા રાજયની તમામ શાળા, કોલેજો અને  યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ નિહાળી શકે તે માટે જીવંત પ્રસારણ થશે. રાજ્યની શાળાઓમાં પણ આ વિષયને કેન્દ્રમાં રાખી સ્પર્ધાનું આયોજન કરાશે. જિલ્લા કક્ષાએ પણ આ  કાર્યક્રમોનું આયોજન પણ આ સમય સિવાય અલગ સમયે રાખવામાં આવશે.
 
યુનેસ્કોએ વિવિધ દેશોમાં 7000થી વધુ ભાષાઓને ઓળખી કાઢી છે, જેનો ઉપયોગ (વાંચવા, લખવા અને બોલવા) માટે થતો હોવાનું જણાવ્યું છે. યુનેસ્કોએ નવેમ્બર, 1999એ આંતરરાષ્ટ્રીય માતૃભાષા ઊજવવાનો નિર્ણય કર્યો,ત્યારથી લઈને દર વર્ષે 21 ફેબ્રુઆરીએ આ દિવસ મનાવવામાં આવે છે. 21 ફેબ્રુઆરીએ દેશની ભાષાકીય વિવિધતાને ઉજાગર કરવા માટે માતૃભાષા દિવસની ઉજવણી કરાય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર