કોણ બનશે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ?

શનિવાર, 20 જુલાઈ 2024 (08:15 IST)
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ કેન્દ્રમાં મંત્રી બન્યાં છે. મંત્રી બન્યાં બાદ કમલમમાં તેમની અધ્યક્ષતામાં પ્રથમ બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં આગામી સમયમાં રાજ્યમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે રણનીતિ ઘડાશે તેવું ભાજપના સુત્રોમાં ચર્ચાઈ રહ્યું છે. તે ઉપરાંત ગુરૂ પૂર્ણિમા, વિજય દિવસ, કારગીલ દિવસ સહિતના પર્વની ઉજવણી માટે પણ બેઠકનું આયોજન કરાયું છે. આ બેઠકમાં અધિકારીઓ અને પદાધિકારીઓને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. તે ઉપરાંત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની પસંદગી માટે પણ આ બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવે તેવી અટકળો પણ વહેતી થઈ છે. 
 
કોણ બનશે ભાજપના પ્રદેશ પ્રમુખ.. આ નામો ચર્ચામાં
ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે હાલ સી.આર. પાટીલ છે પણ તેમનો કાર્યકાળ હવે પૂર્ણ થવાને આરે છે. ત્યારે તાજેતરમાં બોટાદના સાળંગપુર ખાતે યોજાયેલ ભાજપની કારોબારીની બેઠકમાં નવું નામ જાહેર થશે તેવી અટકળોએ વેગ પકડ્યો હતો. પરંતુ તે વખતે કોઈના નામની જાહેરાત થઈ નહોતી. પરંતુ હવે ફરીવાર પ્રદેશ પ્રમુખની રેસમાં ત્રણેક નામોની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ભાજપના આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું કે જો પટેલ સમાજના વ્યક્તિને પ્રદેશ પ્રમુખ બનાવવાનું નક્કી થાય તો જૂના જોગી ગોરધન ઝડફિયા અને ભરત બોઘરાના નામ સૌથી આગળ ચાલી રહ્યા છે. આ પહેલા પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીનું નામ ચર્ચામાં હતું કારણ કે તેમણે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. તે ઉપરાંત રાજ્ય સભાના સાંસદ મયંક નાયક અને રાજ્ય સરકારના મંત્રી જગદીશ પંચાલનું નામ પણ ચર્ચામાં હતું. પરંતુ હવે કોના નામ પર મહોર લાગશે તે આવનારો સમય બતાવશે.
 
બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે રણનીતિ ઘડાશે
આગામી ઓક્ટોબર-નવેમ્બર માસમાં 75 મહાનગરપાલિકાઓ, 9 મહાનગરપાલિકાઓ, 2 જિલ્લા પંચાયતો અને 17 તાલુકા પંચાયતો સાથે 4 હજારથી વધુ પંચાયતો માટે ચૂંટણી યોજાવાની તૈયારીઓ થઈ રહી છે. આ ચૂંટણીમાં જીતવા માટે ભાજપ દ્વારા બેઠક બોલાવવામાં આવી છે. જેની તૈયારી અને રણનીતિ ઘડવા પ્રદેશ હોદ્દેદારો, મોરચા પ્રમુખ, જિલ્લા પ્રમુખ અને પ્રભારીઓ સાથે બેઠકનું આયોજન કરાયું છે. લોકસભાની ચૂંટણીમાં પાંચ લાખની લીડનો ટાર્ગેટ માત્રે પાંચેક બેઠકો પર પુરો થયો હતો.જેમાં સૌથી વધુ લીડ અમિત શાહ અને સી.આર. પાટીલને મળી હતી. તે ઉપરાંત હેટ્રિકની વાત પણ એક સીટ ગુમાવતા અધુરી રહી ગઈ હતી. જેથી કાર્યકરોમાં ફરીવાર જોશ ભરવા માટે ભાજપના પ્રભારી સહિતના નેતાઓ હવે મેદાનમાં ઉતર્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર