દાહોદ પોલીસ સ્ટેશનના દરવાજે મૃતદેહ મુકતાંની સાથે જ પત્થરમારો, ૪ રાઉન્ડ ફાયરિંગ, ૧મોત
શુક્રવાર, 27 ઑક્ટોબર 2017 (10:54 IST)
દાહોદ જિલ્લાના ચીલાકોટા ગામમાં પેરોલ ફર્લો સ્ક્વોડ ગત રાત્રે એક આરોપીને ઝડપી પાડવા તેનાં ઘરે ગઈ હતી. તે સમયે આરોપી ન મળતાં તેનાં બે ભાઇઓને પોલીસે બોલાવી તેની પૂછપરછ કરી હતી અને ત્યાર બાદ તેમને છોડી મૂક્યાં હતાં. જોકે, આરોપીના બે ભાઈમાંથી એકનું સવારે મોત નીપજ્યં હતું. બપોરે ટોળું મૃતદેહ લઈ જેસાવાડા પોલીસ મથકે જઈ પોલીસના મારથી મૃત્યુ થયું હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવવા ગયું હતું. ત્યાં બોલાચાલી થતાં ટોળાએ પોલીસ મથક પર પથ્થરમારો શરૂ કર્યા હતો, જેમાં પોલીસ કર્મીઓને ઇજા થઇ હતી. તેમજ પોલીસ વેન પણ સળગાવી દીધી હતી.
સ્થિતિને કાબૂમાં કરવા પોલીસે ૪ રાઉન્ડ ફાયરિંગ પણ કરવું પડયં હતું. પ્રાપ્ત માહિતી પ્રમાણે, ચૂંટણીની જાહેરાત થતાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા પોલીસ વિભાગ સક્રિય થયો છે. બુધવારની રાત્રે પોલીસની પેરોલ ફર્લો સ્ક્વોડ ચીલાકોટા ગામમાં રહેતા અને લૂંટ ધાડના નાસતા ફરતા આરોપી નરેશ મસૂલ ગમારને બાતમીના આધારે તેનાં ઘરે ઝડપી પાડવા પહોંચી હતી, પરંતુ નરેશ નહીં મળતાં તેનાં ભાઇ કનેશ મસુલ ગવાર અને રાજુ મસૂલ ગમારને પોલીસે બોલાવી પૂછપરછ કરી હતી. બાદમાં તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. બીજી તરફ ગુરુવારે સવારે કનેશ મસૂલ ગમારનું મૃત્યુ થઈ ગયું હતું,
જેથી પોલીસના મારથી કનેશનું મૃત્યુ થયં હોવાનું તેનાં સગા-સંબંધીઓ અને કેટલાક ગ્રામજનોને લાગતા તેઓ બપોરે કનેશનો મૃતદેહ લઇને જેસાવાડા પોલીસ મથકે આવી ફરિયાદ નોંધાવવા માટે માગ કરી હતી. પોલીસનો સંતોષજનક જવાબ ન મળતા ટોળાંએ ઉશ્કેરાઈ જઈ જેસાવાડા પોલીસ મથકે પથ્થરમારો શરૂ કરી દેતાં બજારો ટપોપટ બંધ થઇ ગયા હતા અને ચારે તરફ નાસ ભાગ થઇ મચી ગઇ હતી. ઉશ્કેરાયેલાં ટોળાએ પોલીસ વેનને પણ આગ ચાંપી દીધી હતી. તેમજ પાંચેક વાહનોના કાચ પણ તોડી નાખ્યાં હતાં.