ભરૂચ જિલ્લાના અબ્દુલ કામઠી સમસ્ત મુસ્લિમ સમાજમાં પણ આગવું નામ ધરાવે છે. તેઓ હંમેશા આવેદનપત્રો આપવામાં અને રજૂઆતો કરવામાં અગ્રેસર રહે છે. તેઓનો લગ્ન પ્રસંગમાં સ્ટેજ ઉપર શોભજનક કપડાં પહેરેલા ડાન્સરો સાથે ડાન્સ કરતો વીડિયો સામે આવતા જિલ્લા અને તેમના સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યાં છે. વાયરલ થયેલો વીડિયો ભરૂચ તાલુકાના ટંકારીયા ગામનો છે. જ્યાં લગ્ન પ્રસંગમાં ડાન્સરો બોલાવવામાં આવી હતી. સ્ટેજ ઉપર અરે દિવાનો મુજે પહેચનો, મેં હું ડોન સોંગ ચાલી રહ્યું હતું. જેમાં LJPના જિલ્લા પ્રમુખ અને સામાજિક આગેવાન અબ્દુલ કામઠી પણ મસ્તીમાં આવી ગયા હતા. તેઓએ ડાન્સરો સાથે ડાન્સ કરી રહ્યા હતા. ત્યારે કેટલાક લોકો નોટોનો વરસાદ કરી રહ્યાં હતાં.
કોરોના હાલ આઉટ ઓફ કંટ્રોલ છે, હાલમાં લગ્નમાં 150ની મર્યાદાની છૂટ અપાઈ હતી. સાથે જ અન્ય નિયંત્રણ જારી કરાયા હતા. ડીજે પર લગ્નમાં ડાન્સરો બોલાવી સ્ટેજ પર ડાન્સ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સની પણ અનદેખી વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી હતી. હવે આ વાયરલ વીડિયો બાદ પોલીસ લગ્નના આયોજકો સામે શુ કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. સાથે જ રાજકીય અને સામાજિક ક્ષેત્રે નામના ધરાવતા અબ્દુલ કામઠીના વાયરલ વીડિયોમાં તેઓની હરકતોને લઈને પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે. લગ્નમાં નાચગાન સામાન્ય હોય છે પણ ડાન્સરો સાથે નાચ અને કોરોના વચ્ચે નિયમોના લીરે લીરા એ ગંભીર બાબત ચર્ચાનો વિષય બની ગઈ છે. આ વીડિયો અંગે રાજકીય અને સામાજિક આગેવાન અબ્દુલ કામઠીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, મારા પરિવારમાં જ ભાણીયાના લગ્ન હતા. જેમાં ઓરકેસ્ટ્રા બોલાવ્યું હતું. પરિવારનો પ્રસંગ હોય મને લોકો સ્ટેજ ઉપર ખેંચી ગયા હતા. મારૂં સામાજિક જીવન સાથે પારિવારિક જીવન પણ છે. ડાન્સમાં 300 રૂપિયા ઉડાવ્યા હતા. એક વીક પહેલાના પ્રસંગમાં કોઈએ વીડિયો વાયરલ કર્યો છે. જે કોઈએ મારી પ્રતિષ્ઠા અને દ્વેષભાવ રાખીને આચરેલું કૃત્ય છે.