ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદી ઝાંપટાં સાથે કરા પડ્યા
સોમવાર, 9 એપ્રિલ 2018 (12:35 IST)
ગુજરાતમાં ગરમીની અસર શઈ થઈ ગઈ છે ત્યારે ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી અચાનક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જ્યારે ગુજરાતમાં કમોસમી વરસાદના ઝાંપટા પડ્યા હતાં. જેમાં અમરેલીનાં બાબરામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેના કારણે લોકોને ગરમીમાં રાહત મળી હતી. જોકે કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતાં. અચાનક જ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાંક વિસ્તારોમાં હળવો વરસાદ પડતાં જ લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતાં. સૌરાષ્ટ્રના રાજકોટ, દ્વારકા, અમરેલી, જશદણ, દ.ગુજરાતના વિસ્તારોમાં અને કચ્છમાં પણ કેટલાક સ્થળોએ કમોસમી વરસાદ પડ્યો હતો.
રાજકોટના વાતાવરણમા અચાનક પલ્ટો થયો હતો અને ઢાંઢીયા ત્રંબા કાળીપાટ સહિતના ગામોમા વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમા ઠંડક પ્રસરી ગઈ હતી. ઢાંઢીયા ગામે વરસાદની સાથે કરાનો ધોધમાર વરસાદ પડ્યો હતો. . ખાવડા સહિત ઘણાં વિસ્તારોમાં તોફાની પવન ફૂંકાયો જેના કારણે વાતાવરણમાં પલટો થતાં ગરમીમાં રાહત થઈ હતી. દક્ષિણ ગુજરાતમાં ડાંગનાં પૂર્વ પટ્ટીમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો જ્યાં પણ કાલીબેલ અને સરવર ગામ વચ્ચે કરા પડ્યા હતાં. જ્યારે પીપલદહાડથી મહારાષ્ટ્ર બોર્ડર પર ધોધમાર વરસાદ પડ્યો. સુબિરમાં વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક રેલાઈ ગઈ હતી. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં ઘણી જગ્યાએ પણ કમોસમી વરસાદી પડ્યો હતો. આ વરસાદને પગલે કેરીના પાકને નુકસાન થવાની શક્યતા ખેડૂતોએ વ્યક્ત કરી હતી. જો હજુ આવું જ વાતાવરણ રહ્યું તો કેરીના પાકમાં બગાડ આવી શકે છે અને સારી કેરીઓ બજારમાં આવવામાં વધુ મોડું થશે એવી આશંકા ખેડૂતો વ્યક્ત કરી હતી.