તોડકાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહના વધુ બે દિવસના રિમાન્ડ મંજુર, પહેલી મે સુધી પોલીસ કસ્ટડીમાં ભાવનગરમાં તોડકાંડ મામલે બિપિન ત્રિવેદી અને ઘનશ્યામ લાંધવા જેલ હવાલે કરાયા

શનિવાર, 29 એપ્રિલ 2023 (17:20 IST)
ગુજરાતમાં પરીક્ષાઓમાં ડમી ઉમેદવાર કાંડમાં પોલીસે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ધરપકડ કરી હતી. ત્યાર બાદ પોલીસે તેમને કોર્ટમાં રજૂ કર્યા હતાં અને કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજુર કર્યાં હતાં. પોલીસે ડમી કાંડમાં અત્યાર સુધીમાં 14 આરોપીઓની ધરપકડ કરી છે અને 40 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. ત્યારે આજે યુવરાજસિંહને રિમાન્ડ પૂર્ણ થતાં ફરીવાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. પોલીસે પાંચ દિવસના રિમાન્ડની માંગ કરતાં કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતાં. 
 
બિપિન ત્રિવેદી અને ઘનશ્યામ લાંધવા જેલ હવાલે
તે ઉપરાંત ભાવનગરમાં તોડકાંડ મામલે બિપિન ત્રિવેદી અને ઘનશ્યામ લાંધવા જેલ હવાલે કરાયા છે. બંને ને જેલમાં ધકેલવા કોર્ટે હૂકમ કર્યો હતો. બંને પાસેથી પોલીસે 10 લાખ રૂપિયા રિકવર કર્યા હતાં. તોડકાંડમાં બંનેની યુવરાજસિંહ સાથે સંડોવણી હોવાનું પણ પોલીસ સુત્રો પાસેથી જાણવા મળ્યુ હતું. હવે સુત્રો તરફથી એવી વિગતો સામે આવી રહી છે જેમાં યુવરાજસિંહ સામે ખંડણી બાદ અપહરણનો પણ ગુનો દાખલ કરવામાં આવે તેવી શક્યતાઓ છે
 
યુવરાજસિંહના સાળા પાસેથી 38 લાખ રિકવર કરાયા
યુવરાજસિંહના સાળા કાનભા ગોહિલની પણ ભાવનગર પોલીસે ધરપકડ કરી લીધી છે અને તેમની પાસેથી 38 લાખ રિકવર કરાયા હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત ભાવનગર તોડકાંડમાં આરોપી બિપિન ત્રિવેદી અને ઘનશ્યામ લાધવાના રિમાન્ડ મંજૂર કરાયા છે. બંને આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. ગઈકાલે પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. 
 
આરોપીઓની પુછપરછમાં પોલીસને કેટલીક કડીઓ મળી
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આરોપીઓની પુછપરછમાં પોલીસને કેટલીક કડીઓ મળી છે. જેમાં યુવરાજસિંહે તળાજાના પિપરલા ગામના ઋષિ નામના યુવકનો બળ જબરી પૂર્વક વીડિયો ઉતાર્યો હોવાનો આરોપ લાગી રહ્યો છે. આ વીડિયોના આધારે જ પી.કે સહિતનાને દબાવવામાં આવ્યા હોવાની પણ વાતો સામે આવી રહી છે.ત્યારે હજુ એક મુખ્ય સૂત્રધારને પકડવાનો બાકી છે. તે પકડાયા બાદ તેની પાસેથી તોડ કર્યો કે કેમ તે પણ પોલીસ પૂછપરછ કરશે. આ મામલે તમામ આરોપીઓની પૂછપરછ પછી પણ ઘણાં મહત્વના ખુલાસા થઈ શકે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર