રાજય સરકારના એક સીનીયર અધિકારીએ કહ્યું હતું કે સરકારે શુક્રવારે બેઠક રાખી હતી. આજે પણ ચર્ચા-વિચારણાનો દોર જારી રાખવામાં આવશે. પ્રાથમીક રીતે એવુ નકકી થયું છે કે ટ્રાફીક ભંગના સામાન્ય-નાના ગુનામાં કેન્દ્રે લાગુ કરેલા દંડમાં રાહત આપવામાં આવશે. અર્થાત દંડની રકમ ઓછી રાખવામાં આવશે. જયારે નશો કરેલી હાલતમાં ડ્રાઈવીંગ, એમ્બ્યુલન્સ જેવા વાહનોને માર્ગ ન આપવા જેવા ગંભીર ગુનાઓમાં આકરો દંડ યથાવત રાખવામાં આવશે.
શુક્રવારે પરિવહન, ગૃહ, નાણાં તથા કાયદા વિભાગના અધિકારીઓની બેઠક થઈ હતી. ટ્રાફીક ભંગમાં 33 જેટલા ગુનાઓ બને છે. દરેકે દરેક નિયમ તથા તેના દંડ વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ અપરાધોને સામાન્ય તથા કયા ગંભીર ગણવા તે વિશે પણ વિશ્ર્લેષણ કરવામાં આવ્યું હતું. આજે પણ આંતરિક ચર્ચા ચાલુ રહી શકે છે અને સોમવારે નવા સુધારેલા કાયદા સંબંધી જાહેરનામુ બહાર પાડવામાં આવે તેવી શકયતા છે.