સુરતમાં ફાયર વિભાગે ફાયર સેફ્ટીનો અભાવ ધરાવતી 32 હોસ્પિટલો અને શોપિંગ કોમ્પલેક્સની દુકાનોમાં સીલ મારી દીધું

શુક્રવાર, 5 માર્ચ 2021 (08:29 IST)
મધરાતથી લઈને સવારે 6 વાગ્યા સુધી કામગીરી હાથ ધરતાં શહેરભરમાં ફફડાટ ફેલાયો
 
સુરતમાં ફાયર વિભાગે સપાટો બોલાવ્યો છે. મધરાતથી લઈને સવારે 6 વાગ્યા સુધી શહેરમાં ફાયર સેફ્ટીનો અભાવ હોય તેવી હોસ્પિટલો અને શોપિંગ કોમ્પલેક્સમાં સીલ મારવાની મોટાપાયે કામગીરી હાથ ધરવામા આવતાં શહેરભરમાં ફફડાટ ફેલાઈ ગયો છે.  ફાયર વિભાગે અલગ-અલગ વિસ્તારોના ફાયર સ્ટેશનના અધિકારીઓ અને સુચના આપી હતી કે તેમના વિસ્તારમાં જે પણ હોસ્પિટલો હોય તે હોસ્પિટલોની તપાસ કરવામાં આવે અને જ્યાં ફાયરસેફ્ટી નો અભાવ દેખાય તે હોસ્પિટલોને તાત્કાલિક અસરથી સીલ મારવાની કામગીરી કરવામાં આવે જેને ધ્યાનમાં રાખીને આજે વહેલી સવારથી જ ફાયર વિભાગની અલગ અલગ ટીમે વિવિધ વિસ્તારોમાં પહોંચીને તપાસ કરતાં મોટાભાગની જગ્યાઓ પર ફાયર સેફ્ટીની સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો. જેથી તે હોસ્પિટલોને સીલ કરવાની કામગીરી શરૂ કરી હતી.
32 જેટલી હોસ્પિટલોને સીલ કરવાની કામગીરી કરી
ફાયર વિભાગે આજે વહેલી સવારે 32 જેટલી હોસ્પિટલોને સીલ કરવાની કામગીરી કરી હતી જે હોસ્પિટલોની અંદર ફાયરસેફ્ટી નો અભાવ હતો તે હોસ્પિટલોને અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી. ફાયર વિભાગે નોટિસમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો કે હોસ્પિટલના સંચાલકોએ તાત્કાલિક અસરથી ફાયર સેફ્ટીની વ્યવસ્થા પૂર્ણ કરવી જોઈએ ઘણી એવી હોસ્પિટલ હતી કે જ્યાં ફાયર સેફ્ટીના સાધનો હતા. પરંતુ તે આગ લાગે ત્યારે તેને બુઝાવવા સક્ષમ ન હતા તેવું પણ જાણવા મળ્યું હતું. આવી હોસ્પિટલોને પણ ફાયર વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી હોવા છતાં તેમણે ફાયર સેફ્ટીની પૂર્ણ સુવિધા કરી ન હતી. ફાયર વિભાગે એવી તમામ હોસ્પિટલોને સીલ મારવાની કામગીરી કરી હતી.
ફાયર વિભાગે કેટલાક એકમોને નોટીસ ફટકારી હતી 
શહેરમાં કતારગામ, ભટાર,રાંદેર,લિંબાયત ડીંડોલી જેવા અલગ અલગ વિસ્તારોમાં ફાયર સેફ્ટીની સુવિધા ન હોય ત્યાં સીલ મારવાની કામગીરી કરી હતી. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલ અને શોપિંગ કોમ્પ્લેક્ષ ઓમાન ફાયર સેફ્ટીના અભાવને લઇ ને નોટિસ ફટકારી હતી છતાં ફાયર સેફટી યોગ્ય રીતે કરવામાં આવી ન હતી સુરતમાં અને રાજ્યમાં સમય અંતરે હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવતી રહી છે. એવા સમયે દર્દીઓને જીવ ગુમાવવાનો વખત આવતો હોય છે. હોસ્પિટલના સંચાલકોની બેદરકારીને કારણે દર્દીઓને પોતાનો જીવ ગુમાવવો પડે છે. જે ખૂબ જ ગંભીર બાબત છે જેને ધ્યાનમાં રાખીને સુરત ફાયર વિભાગે શહેરભરમાં આ કામગીરી શરૂ કરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર