મહારાષ્ટ્ર રાજ્યની સરહદને અડીને આવેલા ડાંગ જિલ્લામા 'કોરોના' ને પ્રવેશતો રોકવા માટે સઘન ચેકીંગ અભિયાન સાથે, ડાંગ જિલ્લામાંથી જિલ્લા બહાર જતા શ્રમિકોના ફરજિયાત વેકસીનેસન ને પ્રાધાન્ય આપવાનો લક્ષ નિર્ધાર કરતા કલેકટર ભાવિન પંડ્યાએ ડોર ટુ ડોર વેકસીનેસન માટે પણ વિશેષ અભિયાન હાથ ધરાયુ છે.
જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓ સહિત સંબંધિત જિલ્લા અધિકારીઓને માર્ગદર્શન આપતા કલેક્ટરશ્રીએ સરહદી ડાંગ જિલ્લાના તમામ એન્ટ્રી પોઇન્ટ્સ ઉપર આરોગ્ય અને પોલીસની ટિમ સતત કાર્યરત કરીને નિયમોનુસાર ટેસ્ટિંગની કાર્યવાહી હાથ ધરવા સાથે, ડાંગ બહાર જતા શ્રમિક પરિવારો ફરજિયાત રસી લે તે સુનિશ્ચિત કરવાની પણ હિમાયત કરી હતી.
ડાંગ જિલ્લામા સો ટકા વેકસીનેસન થાય તે માટે તમામ આરોગ્ય કર્મચારીઓ, મેડિકલ ઓફિસરોની રજા રદ્દ કરીને ડોર ટુ ડોર રસિકરણ અભિયાન હાથ ધરાઈ રહ્યુ છે, તેમ જણાવતા જિલ્લા વિકાસ અધિકારી ડો.વિપીન ગર્ગ એ વેકસીનેસનની કામગીરી માટે માઈક્રોપ્લાન તૈયાર કર્યો હોવાનુ જણાવ્યુ હતુ.
સમયબદ્ધ આયોજન, પરસ્પર સંકલન, અને સહયોગ સાથે જિલ્લાના તમામ વિભાગો કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે અમોઘ શસ્ત્ર એવા રસિકરણ અભિયાનમા વિશેષ જવાબદારી અદા કરશે, તેમ પણ આ ઉચ્ચાધિકારીઓએ વધુમા જણાવ્યુ હતુ. બેઠકમા ઉપસ્થિત નાયવ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસે જિલ્લાના ચેકીંગ નાકાઓ ઉપર વિશેષ લક્ષ કેન્દ્રિત કરવા સાથે સઘન ચેકીંગ અભિયાન હાથ ધરાશે.
જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી વિશેષ બેઠકમા નિવાસી અધિક કલેકટર શ્રી પદ્મરાજ ગામીત સહિત પ્રાંત અધિકારી કાજલ ગામીત, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.બી.ચૌધરી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હિમાંશુ ગામીત, RCHO ડો.સંજય શાહ સહિતના અધિકારીઓ, નાયબ પોલીસ અધિક્ષક પી.જી.પટેલ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ સહિતના સબંધિત અધિકારીઓએ ઉપસ્થિત રહી, સો ટકા રસિકરણ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.