રત્નાકર સમુદ્ર તટે બિરાજમાન પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવના દર્શનાર્થે દેશ વિદેશથી આવતા શ્રદ્ધાળુઓનો પ્રવાહ વર્ષભર ભારે માત્રામાં વહેતો રહે છે. ભક્તો મહાદેવને રીઝવવા બિલ્વપત્રો - પુષ્પો - દ્રવ્યો - વસ્ત્રો - સુવર્ણ - ચાંદી સહિત ભાવના સ્વરૂપે શિવાર્પણ કરતા હોય છે. ભગવાન શિવે ત્રિપુર નામના અસુરના ત્રણ ધાતુના સુવર્ણ-રજત-લોહ નિર્મિત ત્રણ નગરોનો બાળીને નાશ કર્યો હતો. આ દિવસ કાર્તિકી પૂર્ણિમાનો હતો. આ દિવસે અસુરના કષ્ટમાંથી મુક્તિ મળતા ત્રણે લોકમાં મહાઉત્સવ થયો હતો.