મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત, હાર્દિકના મતે પાટીદારો અનામત લઈને જ ઝંપશે
શુક્રવાર, 16 નવેમ્બર 2018 (15:18 IST)
મહારાષ્ટ્ર સરકારના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગુરૂવારે અહેમદનગર ખાતે રેલીને સંબોધી હતી. મરાઠાઓને 1લી ડિસેમ્બરના રોજ ઉજવણી માટે તૈયાર રહેવાનું તેમણે જણાવ્યું છે. જેના કારણે મરાઠાઓને 16 ટકા જેટલી અનામત અલગથી મળે તેવી વાત છે. તેમની આ જાહેરાતને કારણે છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલનને ફરીથી બળ મળે તેમ લાગી રહ્યું છે.પાસના સંયોજક હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં ભાજપની જ સરકાર જો મરાઠાઓને 16 ટકા જેટલી અનામત આપી શકતી હોય તો ગુજરાતની ભાજપ સરકાર પાટીદારોને શા માટે અનામત આપી રહી નથી. બીજી તરફ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના મોડેલ અને કોર્ટના ચુકાદાઓનો અભ્યાસ કરીને સકારાત્મક વિચારણા કરવામાં આવશે. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર સરકાર જો મરાઠાઓની અલગથી અનામતની માગણી સ્વીકારી શકતી હોય તો ગુજરાતની સરકાર કેમ નહીં. આગામી બે દિવસમાં પાસ દ્વારા પાટીદાર આગેવાનો અને કાર્યકરોની બેઠક રાખવામાં આવી છે. જો મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત મળશે તો અમે પણ અનામત લઈને જ ઝંપીશું. અમે ઓબીસી કમિશનને અરજી કરી છે. સરકાર પાસે અમારી માગ છે કે, કમિશનનો સરવે સંપન્ન કરાવીને તે જાહેર કરે. મહારાષ્ટ્ર સરકારે ઓબીસી અનામતને છંછેડ્યા વિના મરાઠાઓને અનામત આપવાનો નિર્ણય કયા પરિબળોને ધ્યાનમાં રાખીને લીધો છે તેનો અભ્યાસ કરીશું. આ રીતે અનામત આપવા અંગે ભૂતકાળમાં અન્ય રાજ્યોએ જ્યારે નિર્ણય લીધા હતા ત્યારે તે અંગે કોર્ટના ચુકાદાઓ શું હતા તેનો પણ અભ્યાસ ફરીથી કરીશું. સરકાર આ મુદ્દે સકારાત્મક રીતે વિચારશીલ છે.