ઉત્તર ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
સોમવાર, 29 જુલાઈ 2019 (09:30 IST)
હવામાન વિભાગે સોમવારે અને મંગળવારે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ તથા ગુજરાતમાં વરસાદની આગામી કરી છે. રવિવારે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ ખાબક્યો હતો. સુરતના ઉમરપાડા તાલુકામાં સાંજે બે કલાકમાં 59 મિલિમીટર વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગે કહ્યું કે સોમવારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણમાં કેટલાક વિસ્તારો છુટછવાયો તથા કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં સોમવારે ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે કહ્યું કે મંગળવારે બનાસકાંઠા, પાટણ, નવસારી, વલસાડ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છ જિલ્લાના કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી છે.
બંગાળની ખાડી પર સર્જાયેલ લો-પ્રેશર સિસ્ટમ આગળ વધી રહી છે. તેની સાથે જ ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેને અડીને આવેલા રાજસ્થાન પર સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ પણ સક્રિય છે. જેના કારણે 29 મીએ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પાટણ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.
વધુમાં આ સિસ્ટમ સક્રિય રહેતાં આગામી 3થી 4 દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. એજરીતે મધ્ય ગુજરાતમાં અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, મહિસાગર, ખેડા જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. જ્યારે 30 મીએ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. એજરીતે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડે તેવી શક્યતા હવામાન નિષ્ણાંત દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગે આ સાથે જ માછીમારો માટે ચેતાવણી જાહેર કરી છે અને તેમને ભારે પવનના લીધે એક ઓગસ્ટ સુધી ઉત્તર, પશ્વિમ મધ્ય અને દક્ષિણ-પશ્વિમના ભાગોમાં દરિયો ન ખેડવાની સલાહ આપી છે. હવામાન વિભાગે કહ્યું કે આગામી દિવસમાં પવન ગતિ વધીને 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની હોઇ શકે છે. રવિવારે સાંજે વલસાડના કપરાડા, ભરૂચના નેત્રાંગ અને નર્મદાના ગરૂડેશ્વરમાં 12 કલાકમાં ક્રમશ: 55, 48 અને 34 મિલીમીટર વરસાદ નોંધાયો હતો.
સિઝનના વરસાદી આંકડા પર એક નજર કરીએ તો રાજ્યમાં સરેરાશ 276. 59 મી.મી. વરસાદ પડ્યો છે. રાજ્યના 251 તાલુકામાં પડેલા વરસાદમાં 22 તાલુકામાં 501થી 1000 મી.મી., 60 તાલુકાઓમાં 251-500 મી.મી., 107 તાલુકાઓમાં 126થી 250 મી.મી., 40 તાલુકાઓમાં 51થી 125 મી.મી. અને 13 તાલુકાઓમાં 50 મી.મી. સુધીનો વરસાદ સિઝન દરમિયાન નોંધાયો છે.