રાજ્યમાં બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે કચ્છમાં પણ વરસાદ થતા લોકોએ ગરમીમાં રાહત અનુભવી છે. રાજ્યમાં સવારના 6 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધીમાં 144 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ડાંગમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ડાંગમાં બે કલાકની અંદર 4 ઇંચ વરસાદ નોંધાયો છે.
અમદાવાદના દસક્રોઈ તાલુકાના જેતલપુરમાં વીજળી પડતાં એક યુવાનનું મોત થયું હતું. વડોદરાના સમસપુર ગામે પણ વજળી પડતાં એક યુવાનનું મોત થયું હતું. બોટાદના સરવઈ- લાઠીદડ વચ્ચે વચ્ચે વીજળી પડતા 60 વર્ષના વૃદ્ધનું અને 5 વર્ષની બાળકીનું મોત થયું છે, તો નવી સરવઈ ખાતે પણ વીજળી પડતા 17 વર્ષની યુવતીનું પણ મોત થયું છે. એક જ દિવસમાં વીજળીના કારણે બોટાદ જિલ્લામાં 3ના મોત થયા છે. જ્યારે કાલાવડના નિકાવા પંથકમાં પણ એક યુવાન આકાશી વીજળીનો ભોગ બન્યો હતો.
ખંભાળિયામાં એક મંદિર પર વીજળી પડતા ગુંબજ તૂટી ગયો હતો. મહેસાણાના લીંચમાં ઝાડ પર વીજળી પડતાં ઝાડને ચીરી નાખ્યું હતું તેમજ ઝાડ સાથે બાંધેલ ભેંસનું મૃત્યુ થયું હતું. મેઘરજના ઓઢા કસાણામાં વીજળી પડતાં વૃક્ષ સળગ્યું હતું. ત્યારે જસદણ તાલુકાના ડોડીયાળા ગામે વીજળી પડી હતી, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીજળી પડવાથી એક ખેતમજૂર ઘાયલ થયો હતો, જેને સારવાર અર્થે ગોંડલની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.