ગુજરાતમાં કોરોનાની પેટર્ન બદલાઈ! અમદાવાદને બદલે સુરત હોટસ્પોટ બન્યું

મંગળવાર, 30 જૂન 2020 (18:55 IST)
ગુજરાતમાં કોરોનાના વધતા કહેર વચ્ચે તેની પેટર્ન પણ બદલાવવા લાગી છે. હવે અમદાવાદને બદલે સુરત હોટસ્પોટ બનવાના માર્ગે હોય તેમ હીરાનગરી તરીકે ઓળખાતા શહેરમાં કોરોના કેસની રફતાર ઝડપથી વધવા લાગી છે. અમદાવાદ તથા સુરતમાં નવા કોરોના કેસોની સંખ્યાનું વિશ્લેષણ કરવામાં આવે તો અમદાવાદ કરતા સુરતમાં સંખ્યા વધી ગઈ છે. 10થી19 જૂન તથા 20થી29 જૂન દરમ્યાન અમદાવાદમાં કોરોના કેસ 64 ટકાથી ઘટીને 42.2 ટકા તથા મૃત્યુઆંક 75 ટકાથી ઘટીને 65 ટકા થયો છે તેમાંથી વિપરીત સુરતમાં કોરોના કેસની સંખ્યા 14.5 ટકાથી વધીને 28.8 ટકા અને મૃત્યુઆંક 10.5 ટકાથી વધીને 18.2 ટકા થયો છે. વડોદરાના આંકડામાં ખાસ બદલાવ નથી અને 8 ટકા પર યથાવત છે. છેલ્લા દસ દિવસ દરમ્યાન શહેરમાં એક પણ મોત થયુ ન હતું. રાજયના અન્ય કેટલાંક શહેર-જીલ્લામાં પણ કોરોના કેસ વધી રહ્યા છે. છેલ્લા દસ દિવસમાં કુલ કેસોની ટકાવારી 13.5 ટકાથી વધીને 21.4 ટકા થઈ છે. મૃત્યુદર પણ 13.2 ટકાથી વધીને 16.8 ટકા થયો છે. અરવલ્લી તથા ગાંધીનગર સિવાય રાજયના તમામ જીલ્લાઓમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં વૃદ્ધિ થઈ છે. અમદાવાદમાં કેટલાંક દિવસોથી નવા કેસની સંખ્યા ઘટતી હોવાના સંકેતો વચ્ચે એવી વિગતો બહાર આવી છે કે સેમ્પલ-ટેસ્ટીંગ ઘટાડવાથી નવા કેસ ઓછા આવી રહ્યા છે. સમગ્ર રાજયમાં ગઈકાલે માત્ર 4433 ટેસ્ટ થયા હતા. અત્યાર સુધીમાં રાજયમાં 3.67 લાખ ટેસ્ટ થયા હતા. ગુજરાતમાં ચોવીસ કલાક દરમ્યાન 626 કેસ નોંધાયા હતા તેમાં 236 અમદાવાદમાં, સુરતમાં 206, વડોદરામાં 50 તથા પાટણમાં 20 કેસ હતા. મૃત્યુમાં અમદાવાદમાં 9, સુરતમાં ચાર, સુરેન્દ્રનગરમાં ચાર મોત હતા. રાજયના વલસાડ, નવસારી, ગીર સોમનાથ, નર્મદા અને અમરેલી જીલ્લામાં નવા કેસની ટકાવારી સૌથી વધુ રહી છે. રાજયમાં 10થી19 જૂનની સરખામણીએ 20થી29 જૂન દરમ્યાન નવા કેસોની સંખ્યામાં 13 ટકાની વૃદ્ધિ થઈ છે. 5825 કેસ નોંધાયા હતા. જયારે મૃત્યુદરમાં 31.7 ટકાનો ઘટાડો થયો છે. 10થી19 જૂન દરમ્યાન રાજયમાં 306 લોકોના મોત થયા હતા તે 20થી29 જૂન દરમ્યાન ઘટીને 209 રહ્યા હતા.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર