હાઈકોર્ટની ટકોર બાદ અમદાવાદમાં BU પરમિશન વિનાની મિલકતો અને ઈમારતોની સીલ મારવાની કાર્યવાહી શરુ

મંગળવાર, 1 જૂન 2021 (14:00 IST)
ગુજરાતમાં ફાયર સેફ્ટી માટે આજે હાઈકોર્ટમાં દાખલ થયેલી સુઓમોટો અરજી પર સુનાવણી શરૂ થઈ છે, જેમાં હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પૂરતી વિગતો રજૂ નહીં કરી હોવાની અરજદારની રજૂઆત બાદ કોર્ટે તીખી ટકોર કરી હતી. હાઇકોર્ટે કોર્પોરેશનને કડક શબ્દોમાં કહી દીધું હતું કે BU પરમિશમ વગરની તમામ જગ્યાએ કાર્યવાહી કરો, કોઈ અણબનાવ બને એની રાહ જોવાની છે? માત્ર ફાયર NOC પર નહીં, BU પરમિશન પર પણ ભાર મૂકો. હાઈકોર્ટની ટકોર બાદ AMCએ હરકતમાં આવી BU પરમિશન વગર ઉપયોગ કરવામાં આવતી મિલકતો સામે કાર્યવાહી શરુ કરી છે.

AMCના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના પશ્ચિમઝોનના નવરંગપુરા, મોટેરા, રાણીપ, સહિતના વિસ્તારોમાં, પૂર્વ ઝોનમાં ઓઢવ, વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં આવેલી BU પરમિશન વગરની મિલકતોને એસ્ટેટ વિભાગ દ્વારા સીલ મારવામાં આવી છે. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે અલગ કોમ્પ્લેક્સની 300 જેટલી દુકાનોને સીલ મારી દીધી છે. આજે કરેલી કાર્યવાહીમાં સ્કૂલ, હોટલ વગેરેને સીલ મારી દીધા છે.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બીયુ પરમિશન વગર અનેક બિલ્ડીંગનો વપરાશ થતો હોવાથી બે નોટિસ આપી હતી છતાં મિલકતધારકો દ્વારા બીયુ લેવા અંગે કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવતાં મોડી રાતે પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે શહેરના રાણીપ વિસ્તારમાં આવેલી ગાયત્રી સ્કૂલ, સાબરમતી જનપથ હોટલ, મોટેરા વિસ્તારમાં આવેલી મારૂતિનંદન કાઠિયાવાડી હોટલ સહિત 7 જગ્યાઓને સીલ કરી હતી. પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગે વસ્ત્રાલમાં આવેલા ઓમ આર્કેડની 88 ઓફિસ અને દુકાનો સીલ કરી છે. જ્યારે ઓઢવ વિસ્તારમાં આવેલા નિર્મિત સ્કવેર બિલ્ડીંગમાં 266 જેટલી દુકાનો ઓફિસ સીલ કરવામાં આવી છે. સોમવારે એસ્ટેટ વિભાગે દક્ષિણઝોનમાં નારોલ સર્કલ પાસે આવેલા બિઝનેસ પોઈન્ટ કોમ્પ્લેક્સમાં 90 દુકાનો ઓફિસ અને મણિનગર રેલવે ક્રોસિંગ પાસે યશ કોમ્પ્લેકસની 27 દુકાનો- ઓફિસ સીલ કરવામાં આવી છે. દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા સરખેજ ખાતે આવેલી મોતી મહેલ હોટલ, સાવન હોટલ, મયુર પેલેસ હોટલ, ભૂખ લાગી હૈ અને હોટલ રોયલ પ્લાઝા મળી કુલ 7 યુનિટ સીલ કર્યા છે. તે ઉપરાંત આસ્ટોડિયા ભજીયા હાઉસ, જ્યુસ કોર્નર પણ સીલ કરવામાં આવ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર