જેલમાંથી કેદીઓએ વીડિયો બનાવી જેલર પર આક્ષેપ કર્યાં, DySPને જેલમાંથી મોબાઈલ મળ્યો

સોમવાર, 24 એપ્રિલ 2023 (16:55 IST)
ગુજરાતની જેલોમાં તાજેતરમાં જ અચાનક ચેકિંગ હાથ ધરાયું હતું. ત્યાર બાદ જેલમાંથી તમાકુ, સિગારેટ, ગુટખા સહિતની વસ્તુઓ પકડાઈ હતી. પરંતુ હવે જૂનાગઢના માંગરોળની સબજેલમાં કેદીઓ દ્વારા સુવિધા નહીં અપાતા જેલર દ્વારા માનસિક ત્રાસ અપાતા હોવાનો વીડિયો પણ વાયરલ કરાયો હતો. કેદીઓ દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, જેલર જ પૈસા લઈને કેદીઓને તમાકુ અને મસાલા જેવી વસ્તુઓ આપે છે. આ વીડિયો વાયરલ થતાં જ જેલતંત્ર દોડતું થયું હતું. 
 
જેલર પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા
જેલમાં ડીવાયએસપી દ્વારા તપાસ કરતાં એક મોબાઈલ અને તમાકુની પડીકીઓ મળી હતી. જે કેદીએ મોબાઈલમાં વીડિયો ઉતાર્યો અને વાયરલ કર્યો તેની સામે તંત્ર દ્વારા ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવી છે. કેદીઓ દ્વારા વીડિયો વાયરલ કરીને જેલર પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતાં.જમવાનું સારું ના હોવાનો આરોપ, તમાકુ, માવા જેવી વસ્તુઓ માટે પૈસા લેવાતા હોવાનો આરોપ લગાવ્યો હતો.
 
પોલીસની ટીમે જેલ ખાતે પહોંચી તપાસ હાથ ધરી
વીડિયોમાં કેદીઓએ કહ્યું હતું કે, 10 રૂપિયાની છાશની થેલીના 17 રૂપિયા લેવામાં આવે છે અને તમાકુના એક પેકેટના 300 રૂપિયા લેવામાં આવે છે.માંગરોળ સબજેલનો વીડિયો વાયરલ થતાં માંગરોળ ડીવાયએસપી તેમજ પોલીસની ટીમે જેલ ખાતે પહોંચી તપાસ હાથ ધરી હતી અને જે કેદી એ મોબાઇલમાં વીડિયો બનાવ્યો હતો તેના પર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સબ જેલના જેલર તરીકે ફરજ બજાવતા અને નાયબ મામલતદારે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કેદીઓ દ્વારા કરવામાં આવેલ તમામ આક્ષેપો પાયા વિહોણા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર