પોલીસ અધિકારીઓની રજા રદ: ફરજ પર રહેવા પોલીસ વડાનો આદેશ
બુધવાર, 27 ફેબ્રુઆરી 2019 (15:06 IST)
ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને કરેલી સર્જિકલ સ્ટ્રાઈકના પગલે ગુજરાતમાં હાઈએલર્ટ જારી કરવામાં આવ્યો હતો. ક્રાઈમ કોન્ફરન્સને રદ્દ કરી દેવામાં આવી હતી અને તમામ અધિકારીઓને પોતાના મુખ્ય મથક ખાતે પરત ફરવા આદેશો જારી કરી દેવામાં આવ્યા હતા. ગુજરાત પોલીસ વડાના જણાવ્યા મુજબ રાજ્યના તમામ પોલીસ કમિશ્નર, તમામ રેન્જ વડા, તમામ પોલીસ અધિક્ષક, અધિક મુખ્ય સચિવ, પોલીસ મહાનિર્દેશક, અધિક પોલીસ મહાનિર્દેશકને મુખ્ય મથકોએ પરત ફરવા આદેશો જારી કરવામાં આવ્યા હતા. દરમિયાન સર્જિકલ સ્ટ્રાઈક બાદ ગુજરાત બોર્ડર હાઈએલર્ટ કરવામાં આવી હતી. કચ્છ અને જામનગરના વાયુસેનાનો તમામ સ્ટાફ શસ્ત્રો સાથે સ્ટેન્ડ-ટુમાં છે. અન્ય રાજ્યોની બોર્ડર પર પણ એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે જ આર્મીની ત્રણેય પાંખને તૈયાર રખાઈ છે. પીઓકેમાં ભારતના હુમલાને પગલે આજે ગાંધીનગરમાં યોજાનારી ડીજીપી કોન્ફરન્સને રદ કરી ડીજીપીની ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક શરૂ કરી હતી. આ બેઠકમાં પાકિસ્તાન બોર્ડર અને દરિયાઈ વિસ્તારમાં સુરક્ષાને લઈ ચર્ચા કરવામાં આવી હતી. પાકિસ્તાનની બોર્ડરને અડીને આવેલા વિસ્તારમાં તેમજ એરબેઝ પર સુરક્ષા અંગે ચર્ચા કરવામાં આવી હતી.