અમદાવાદમાં મેટ્રોનું ઉદ્ઘાટન કરવા મોદી આવશે, ટ્રેન આ તારીખથી દોડતી થશે

શનિવાર, 29 ડિસેમ્બર 2018 (12:47 IST)
ગુજરાતમાં જેની વર્ષોથી રાહ જોવાઈ રહી છે તે મેટ્રો ટ્રેન પ્રથમ તબક્કામાં માર્ચ ૨૦૧૯ સુધીમાં દોડતી થઈ જશે. મુસાફરો મેટ્રો ટ્રેનની મુસાફરીનો આનંદ માણે તે પહેલાં મોટે ભાગે ૧૭મી જાન્યુઆરી ૨૦૧૯ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રો રેલના ટ્રાયલ રનનો પ્રારંભ કરાશે તેમ મેગા કંપનીના ટોચના સૂત્રો જણાવી રહ્યા છે.મેટ્રો એક્સપ્રેસ લીંક ફોર ગાંધીનગર અમદાવાદ (મેગા) કંપનીના સૂત્રો કહે છે કે, વડાપ્રધાનના હસ્તે ટ્રાયલ રનના પ્રારંભ બાદ માર્ચ ૨૦૧૯ સુધીમાં મેટ્રો ટ્રેન મુસાફરોની સેવા માટે ખુલ્લી મુકાશે

ત્રણ ટ્રેનના કોચ દક્ષિણ કોરિયાથી રવાના થયા છે જે મોટે ભાગે ૨૯મી ડિસેમ્બર ૨૦૧૮ સુધીમાં મુંદ્રા બંદરે પહોંચી જશે. હાલમાં જે કામગીરી ચાલી રહી છે તે શિડયૂલ પ્રમાણે થાય તો બીજી અથવા ત્રીજી જાન્યુઆરી સુધીમાં અમે મેટ્રોની ટ્રાયલ રન કરી શકીશું. ઈન્ડોનેશિયામાં સુનામીના કારણે મેટ્રો રેલના કોચ મોડા પહોંચે તેવી શક્યતા હતી પરંતુ અત્યારની સ્થિતિ જોતાં રાબેતા મુજબ કોચ મુંદ્રા પહોંચી જશે તેવી આશા છે. મેટ્રો ટ્રેનના ત્રણ કોચ અમદાવાદ પહોંચી જાય તે પછી તેને અલગ અલગ પરીક્ષણ માટે અઢી મહિના સુધી રાખવામાં આવશે. જુદી જુદી એજન્સીઓ મેટ્રો ટ્રાયલ રનનું સંચાલન કરવાની છે.એપરલ ડેપોમાં દસથી વધુ ટ્રેક તૈયાર છે જ્યાં ૧૬ ટ્રેન રાખવામાં આવશે. પ્રથમ તબક્કામાં વસ્ત્રાલથી એપરલ પાર્ક છ સ્ટેશનોને આવરી લેવામાં આવશે, જેમાં વસ્ત્રાલ ગામ, નિરાંત ક્રોસ રોડ, વસ્ત્રાલ, રબારી કોલોની, અમરાઈવાડી અને એપરલ પાર્ક.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર