મેટ્રો ટ્રેન પાછળ 3058 કરોડનો ખર્ચ છતાં હજી ચાલુ નથી થઈ

ગુરુવાર, 8 માર્ચ 2018 (16:21 IST)
અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે દોડનારી મેટ્રો રેલની કામગીરી પાછળ અત્યાર સુધીમાં ૩૦૫૮ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો અને ૨૦૧૮ના અંત સુધીમાં વસ્ત્રાલથી એપરલ પાર્ક વચ્ચેના ૬.૫ કિલોમીટરના પ્રથમ તબક્કાને કાર્યાન્વિત કરવામાં આવશે તેવી માહિતી વિધાનસભામાં શહેરી વિકાસ વિભાગ દ્વારા આપવામાં આવી છે.  ઠાસરાના કાંતિભાઇ પરમાર દ્વારા મેટ્રો રેલની કામગીરી અંગે પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં શહેર વિકાસ વિભાગ દ્વારા જણાવાયું હતું કે, વસ્ત્રાલથી થલતેજ સુધીના ઇસ્ટ વેસ્ટ કોરિડોરમાં વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક વચ્ચેનો પ્રાયોરિટી રીચની સિવિલ કામગીરી પૂર્ણ થવાના આરે છે.

એપરલ પાર્ક ડેપો અને છ સ્ટેશનની કામગીરી પ્રગતિમાં છે. ટ્રેક, સિગ્નલની કામગીરી પણ શરૂ કરી દેવાઇ છે. થલતેજથી શાહપુર વચ્ચેના વેસ્ટર્ન રીચમાં વાયા ડક્ટની કામગીરી ચાલુ છે.  વિભાગ દ્વાર વધુમાં જણાવાયું હતું કે, ઇસ્ટ-વેસ્ટ કોરિડોરના ભાગરૂપે છ કિલોમીટર લંબાઇના અંડર ગ્રાઉન્ડ સેકશનમાં હાલમાં ટનલ બોરિંગ મશીનની પ્રારંભિક કામગીરી હાથ ધરવામાં આવી છે.  પ્રોજેક્ટ તબક્કાવાર શરૂ કરાશે જેમાં પહેલા વસ્ત્રાલ એપરલ પાર્કનો રૂટ શરૂ થશે. મેટ્રો રેલની કામગીરીમાં ગેરરીતિ અંગેની કોઇ ફરિયાદ છેલ્લા બે વર્ષમાં મળી નહીં હોવાનું પણ વિભાગ દ્વારા જણાવાયું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર