અમદાવાદના વિરાટનગરમાં કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ રાંધણ ગેસના સિલિન્ડર પર બેસીને સભા સંબોધી

બુધવાર, 17 ફેબ્રુઆરી 2021 (11:43 IST)
પરેશ ધાનાણીના અનેકવાર  અલગ અલગ અંદાજમાં ફોટો અને વિડિઓ વાયરલ થતા હોય છે
વધતી જતી મોંઘવારી મુદ્દે ધાનાણીએ ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યાં
 
ગુજરાતમાં છ મહાનગર પાલિકાની ચૂંટણી આગામી 21 ફેબ્રુઆરીએ યોજાનાર છે. આ ચૂંટણીમાં હવે ખૂબ જ રસાકરી રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ત્યારે પ્રચારમાં અવનવી પદ્ધતિ દ્વારા નેતાઓ મતદારોને આકર્ષિત કરી રહ્યાં છે. અમદાવાદના વિરાટનગરમાં કોંગ્રેસના વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાંધણ ગેસના સિલિન્ડર પર બેસીને સભાને સંબોધિત કરીને મતદારોને રિઝવવાનો પ્રયાસ કર્યો હતો. 
પરેશ ધાનાણીએ વધતી મોંઘવારી મુદ્દે ભાજપ પર શાબ્દિક પ્રહાર કર્યા
વિપક્ષના નેતા પરેશ ધાનાણીના અનેકવાર  અલગ અલગ અંદાજમાં ફોટો અને વિડિઓ વાયરલ થતા હોય છે. ક્યારેક સીટી બસ ચલાવતા, ક્યારેક પુરીઓ તળતા ક્યારેક સ્કૂટર કે બાઇક ચલાવતા વિડીયો વાયરલ થયેલા છે. અને દરેક વખતે આ વાયરલ વીડિયો થકી ચર્ચામાં રહેતા હોય છે ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જ્યારે પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. તમામ રાજકીય પક્ષો મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી રાંધણ ગેસ સિલિન્ડર પર બેસી સભા સંબોધી. હાલમાં પેટ્રોલના ભાવ 86 રૂપિયા અને ડીઝલના ભાવ 83 રૂપિયા જ્યારે રાંધણગેસ સિલિન્ડર ના ભાવ 770 રૂપિયા થઈ ગયા છે. ત્યારે પરેશ ધાનાણીએ વધતી મોંઘવારી મુદ્દે ભાજપ પર પ્રહાર કર્યા.
કોંગ્રેસના સંકલ્પપત્રને લોકો સમક્ષ રજુ કર્યું
તેમણે કહ્યું હતું કે કોંગ્રેસની સરકાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવશે તો લોકોના ઘરે પીવાનું શુદ્ધ પાણી પહોંચાડશે,  સરકારી હોસ્પિટલમાં મફત સારવાર, દરેક વિસ્તારમાં ખાનગી શાળાને ટક્કર મારે તેવી મોર્ડન ઈંગ્લીશ સ્કૂલ, સમગ્ર શહેરમાં વિદ્યાર્થીઓ માટે  ફ્રી વાયફાય ઝોન, મલ્ટી લેવલ પાર્કિગમાં નાના મોટા વાહનો માટે ફ્રી પાર્કિગ વ્યવસ્થા સહિત રોડ રસ્તાઓ અને અલગ અલગ સુવિધાઓ પુરી પાડવાનો કોંગ્રેસએ સંકલ્પ કર્યો છે તેવું જણાવ્યું હતું.મહત્વનું છે કે હાલ ચૂંટણી સમયે ઉમેદવાર કોઈ ઘોડા પર બેસીને કોઈ સાયકલ પર બેસીને, કોઈ હાથી પર બેસીને કોઈ રોડ શો કરીને મતદારોને રીઝવવા પ્રયાસ કરતા હોય છે ત્યારે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી રાંધણ ગેસ સિલિન્ડર બેસીને સભા કરતા તેઓ ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર