સરકાર માંગણી નહીં સ્‍વીકારે તો આવતા દિવસોમાં આંદોલનને ગામે ગામની ગલીઓમાં લઈ જઈશું- પરેશ ધાનાણી

શુક્રવાર, 25 સપ્ટેમ્બર 2020 (11:37 IST)
વિધાનસભા ગૃહમાં અમદાવાદ અને રાજકોટ જિલ્લામાં આત્‍મનિર્ભર ગુજરાત સહાય યોજના અંગેનો પ્રશ્ન રજૂ થયો હતો. સદર પ્રશ્નની ચર્ચામાં સરકારને આડે હાથ લેતાં વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, 1960થી સતત વિકાસની હરણફાળ ભરી રહેલા ગુજરાતમાં વાયબ્રન્‍ટ મહોત્‍સવના નામે વિદેશીઓને નોંતરું કાઢી અને ગુજરાતનો પાયો ધણધણાવી નાંખનારી ભાજપ સરકાર હવે વૈશ્વિક મહામારીથી પીડિતોને આત્‍મનિર્ભર બનાવવાની સુફીયાણી સલાહ શું કામ આપે છે ? 
 
મુખ્‍યમંત્રીએ આત્‍મનિર્ભર ગુજરાત પેકેજ હેઠળ રૂ. 14,022 કરોડની જાહેરાત કરેલ હતી અને આજે વિધાનસભામાં અલગ-અલગ ઘટકો હેઠળ કુલ રૂ. 24812 કરોડની ફાળવણી દર્શાવી પરંતુ આ યોજના અંતર્ગત કુલ કેટલા લોકોને, કુલ કેટલી રકમની સહાય ચૂકવી ? તેવા સામાન્‍ય પ્રશ્નનો જવાબ આપવા અસમર્થતા દર્શાવી અને આ યોજના આત્‍મનિર્ભર પેકેજ નહીં પરંતુ પ્રચાર કરવાનું પડીકું માત્ર છે તેવા વિપક્ષના આરોપોને સરકારે મહોર મારી છે.
 
હાલ પર્યંત આત્‍મનિર્ભર ગુજરાત સહાય યોજના અંતર્ગત સઈ, સુથાર, લુહાર, કુંભાર, પ્રજાપતિ સહિત વિશ્વકર્મા સમાજ તેમજ રીક્ષા, ટેક્‍સી અને છકડા ચાલક, કલાકારો, કર્મકાંડી બ્રાહ્મણો, કુશળ કારીગરો સહિત ગરીબ-મજુર-બાંધકામ શ્રમિકો અને નિમ્‍ન મધ્‍યમવર્ગના જરૂરિયાતમંદ પરિવારોને વીજબિલ, સ્‍થાનિક કરવેરા, વાહનવેરા, હાઉસીંગ લોનમાં વ્‍યાજ સહાય તેમજ રોજગારી ભથ્‍થા પેટે કુલ કેટલા લોકોને અને કુલ કેટલી રકમની સહાય કરી ? તેવો વેધક સવાલ વિપક્ષના નેતાએ સરકારને પૂછ્‍યો હતો.
 
ખાનગી સ્‍કુલોની ફીમાં ઘટાડો કરવા બાબતનો કોંગ્રેસના ધારાસભ્‍ય ઈમરાન ખેડાવાલાનો ટૂંકી મુદ્દતનો પ્રશ્ન હતો. સદર પ્રશ્નની ચર્ચામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, હાલ કોરોનાની વૈશ્વિક મહામારી વચ્‍ચે રાજ્‍યમાં આર્થિક મંદી, મોંઘવારી, બેરોજગારી, છુટતી નોકરીઓ, તુટતો વ્‍યાપાર, ઠપ્‍પ કારખાના અને અતિવૃષ્‍ટિની આફતના કારણે ગરીબ, મજુર, કારીગર, ખેડૂત, નાના નોકરીયાત અને અસંગઠીત ક્ષેત્ર સાથે જોડાયેલા મધ્‍યમવર્ગીય પરિવારોના પ્રાથમિક શિક્ષણમાં 86.35 લાખ, માધ્‍યમિક શિક્ષણમાં 28.06 લાખ, ઉચ્‍ચ શિક્ષણમાં 21.23 લાખ, તાંત્રિક શિક્ષણમાં 1.73 લાખ અને આર્ટ્‌સ-સાયન્‍સ-કોમર્સ કોલેજના 14.62 લાખ સહિત કુલ 151.99 લાખ વિદ્યાર્થીઓને ખાનગી શાળા-કોલેજના અમુક ફી માફીયાઓ દ્વારા જબરજસ્‍તીથી ફી ભરવા માટે ધમકાવી અને વિદ્યાર્થીઓના ભવિષ્‍યને અંધકારમાં ધકેલવાનો પ્રયાસ થઈ રહ્‌યો છે. 
 
ત્‍યારે ચાલુ શૈક્ષણિક સત્ર દરમ્‍યાન સરકારી અને ખાનગી શાળા તથા કોલેજમાં અભ્‍યાસ કરતા તમામ વિદ્યાર્થીઓની સંપૂર્ણ સત્ર ફી માફ કરવા તેમજ ખાનગી શાળામાં નોકરી કરતા શિક્ષકોના પગાર અને આનુષંગિક વહીવટી ખર્ચ પેટે સ્‍વનિર્ભર સંસ્‍થાઓને ખાસ સહાય પેકેજ જાહેર કરવા માંગણી કરી છે અને જો સરકાર માંગણી નહીં સ્‍વીકારે તો આગળના દિવસોમાં આંદોલનને ગામેગામની ગલીઓમાં લઈ જવાની ચીમકી આપેલ છે.
 
કોંગ્રેસ પક્ષની માંગણી અન્‍વયે રાજ્‍યના વિદ્યાર્થીઓની ફી માફી અંગે રાજ્‍ય સરકારે વિધાનસભા ગૃહમાં કોઈ જાહેરાત ન કરતા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં કોંગ્રેસ પક્ષના સભ્‍યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર