પતંગમહોત્સવમાં પરેશ ધાનાણી પર તાક્યું તીર, વિરોધીઓની વિચારધારા જ સંકુચિત છે

મંગળવાર, 7 જાન્યુઆરી 2020 (12:15 IST)
અમદાવાદ રિવરફ્રન્ટ પર યોજાયેલા 31 માં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું મુખ્યમંત્રી રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ઉદ્ઘાટન કર્યું હતું. આ મહોત્સવમાં આ વખતે 43 દેશોના 153 પતંગબાજો ભાગ લઈ રહ્યા છે તો સાથે જ 12 રાજ્યોના 115 પતંગબાજો પણ જોડાયા છે. આ તમામ પતંગબાજોની ભવ્ય પરેડ પણ મુખ્યમંત્રી અને રાજ્યપાલની હાજરીમાં યોજાઈ હતી. 
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દાવો કર્યો કે પીએમ નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી પરંપરા પર તેમની સરકાર ચાલી રહી છે. ઉત્સવો પ્રકૃતિ સાથે જોડાયેલા છે અને દરેક ઉત્સવ સાથે પ્રજાને જોડીને મહોત્સવ બનાવીએ છીએ. પતંગોત્સવના પ્રારંભમાં જ વિજય રૂપાણીએ પોતાના વકતવ્યમાં લોકોને જાતિના ભેદભાવથી દૂર રહીને સાથે રહીને સંયુક્ત રીતે એકતાપૂર્વક આ તહેવારની ઉજવણી કરવા અપીલ કરી છે. વિરોધીઓની વિચારધારા જ સંકુચિત છે એટલે એમને મહોત્સવો તાયફા લાગે છે. મહોત્સવો થકી પ્રવાસન ક્ષેત્રને સતત વેગ આપી રહ્યા છીએ જેનો સીધો લાભ લોકોને મળે છે. 
રણોત્સવ, પંચમહોત્સવ, સાસણગીર, સોમનાથ, મોઢેરાનો સૂર્યોત્સવ સહિત અનેક પ્રયાસ થઈ રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ગત વર્ષે 35 લાખ પ્રવાસીઓ આવ્યા હતા હવે તેને 50 લાખ પ્રવાસીઓ સુધી લઈ જવાનો લક્ષ્યાંક છે. ગુજરાત વિકાસનું રોલ મોડલ રહે તે રીતે સૌને સાથે લઈને ચાલી રહ્યા છીએ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ પણ પોતાના સંબોધનમાં રૂપાણી સરકારની કામગીરીને વખાણી હતી. તેમણે કહ્યું કે ગુજરાત સમગ્ર ભારતવર્ષ માટે રોલ મોડલ છે અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાનીમાં ચૌમુખી વિકાસ કરી રહ્યું છે. ભારત સમગ્ર દુનિયાને એક પરિવાર તરીકે જુએ છે અને આવકારે છે. આજે દેશવિદેશ ના પતંગબાજો અહીં મહેમાન બન્યા છે. ગુજરાતીઓએ પણ વૈશ્વિક સ્તરે પોતાની અલગ ઓળખ બનાવી છે. 
 
 
નવરાત્રી અને પતંગોત્સવ એ ગુજરાતની ઓળખ બન્યા છે અને આગામી દિવસોમાં આ ઓળખને વધુ મજબૂત બનાવવા સરકાર કામ કરતી રહેશે તેવો દાવો મુખ્યમંત્રી એ કર્યો છે ત્યારે મુખ્યમંત્રીએ વિપક્ષ પર કરેલા પલટવાર ને લઈને આ મુદ્દો આગમી દિવસોમાં પણ ગુંજતો રહેશે તે નિશ્ચિત છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર