29 કેન્દ્ર પર 3200 શિક્ષકોએ ધો. 10-12ની ઉત્તરવહી મૂલ્યાંકન શરૂ કર્યું
શનિવાર, 18 એપ્રિલ 2020 (13:35 IST)
રાજ્યમાં ૧૬ એપ્રિલથી ધો.૧૦ અને ધો.૧૨ની ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે, અમદાવાદમાં ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરીમાં જોડાનાર શિક્ષકોના પાસ તૈયાર થયા ન હોવાથી આ કામગીરીનો શુક્રવારથી પ્રારંભ થયો હતો. અમદાવાદ શહેરના ૧૨ અને અમદાવાદ ગ્રામ્યના ૧૭ મૂલ્યાંકન કેન્દ્રો પર શુક્રવાર સવારથી મૂલ્યાંકન શરૂ થયું હતું. જેમાં ૩૨૦૦ શિક્ષકો જોડાયા હોવાનું જાણવા મળે છે.
તમામ મૂલ્યાંકન કેન્દ્રો પર થર્મલગનની મદદથી શિક્ષકોનું ટેમ્પરેચર ચેક કર્યા બાદ જ મૂલ્યાંકન કેન્દ્રમાં પ્રવેસ અપાયો હતો. ઉપરાંત કેન્દ્રમાં પણ સોસ્યલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી હતી.શિક્ષણ બોર્ડની ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષા ૨૧ માર્ચના રોજ પૂર્ણ થઈ તે પહેલા જ ઉત્તરવહી મૂલ્યાંકન શરૂ કરી દેવાયું હતું. પરંતુ લોકડાઉનના પગલે ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી અચોક્કસ મુદ્દત માટે સ્થગિત કરવામાં આવી હતી. જોકે, ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા ૧૬ એપ્રિલથી ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી. જે મુજબ રાજ્યમાં મૂલ્યાંકનની કામગીરી શરૂ થઈ હતી. પરંતુ અમદાવાદ જિલ્લામાં મૂલ્યાંકન માટે જોડાનારા શિક્ષકોના પાસ તૈયાર થયા ન હોવાથી આ કામગીરીનો શુક્રવાર સવારથી પ્રારંભ થયો છે.