જામજોધપુરનો યુવાન જામનગરમાં રહેતા મોટા બહેનને લઈ કારમાં જઈ રહ્યો હતો ત્યારે માર્ગમાં જીવલેણ અકસ્માત નડ્યો હતો. જામજોધપુર રહેતા કલ્પેશભાઈ પ્રફુલભાઈ મજિઠીયાએ બારડોલી ખાતે એક્ઝિબિશનમાં જ્યુસનો સ્ટોલ રાખ્યો હતો. મંગળવારે કલ્પેશ કારમાં જ્યુસ બનાવવાનાં સાધનો મૂકી જામનગર રહેતા બનેવી નિલેશ સવજાણીના ઘરે આવ્યો હતો. એક્ઝિબિશનમાં મદદ મળી રહે તે માટે કલ્પેશે તેના મોટાબહેન શિલ્પાબેન સવજાણીને બારડોલી આવવા માટે તૈયાર કર્યા. કાર્ય સ્થળ પર સમયસર પહોંચી શકાય તે માટે ભાઈ-બહેન રાતે 1 વાગ્યે બારડોલી જવા રવાના થયા હતા. લીંબડી હાઈ-વે પર છાલિયા તળાવ નજીક રોડ પર ઉભેલા વાહન પાછળ તેમની કાર ધડાકાભેર ઘૂસી ગઈ હતી. કારના આગળના ભાગનું તો પડીકું વળી ગયું હતું. ગંભીર રીતે ઘવાયેલા ભાઈ-બહેન ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.