પાટણ બેઠકના કૉંગ્રેસી ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું હતું કે, મેં છ મહિના પહેલાં જ પાર્ટીને લેખિતમાં કહ્યું છે કે, મારી માગણી નહીં સંતોષાય તો હું પક્ષમાંથી રાજીનામું ધરી દઈશ. બીજી તરફ સોમનાથ બેઠક પરના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સ્પષ્ટતા કરી હતી કે, હું કોંગ્રેસમાં છું અને રહેવાનો છું. કોંગ્રેસના વફાદાર સૈનિક પાસે ઓફર કરવા આવવાની કોઈની હિંમત ન થાય.મેં 22 વર્ષની ઉંમરમાં રાજનીતિની શરૂઆત કરી હતી. કોંગ્રેસે મને ઘણું બધું આપ્યું છે.પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પાર્ટીમાં નિર્ણય શક્તિનો અભાવ હોવાની પણ વાત મીડિયા સમક્ષ કરી હતી.કિરીટ પટેલે કહ્યું હતું કે, કૉંગ્રેસ પક્ષમાંથી ધારાસભ્ય રાજીનામું આપે છે તે ચિંતાનો વિષય છે. પક્ષે આ બાબતે જાગૃત થવાની જરૂર છે. ભાજપના 156 ધારાસભ્ય ચૂંટાયા છે ત્યારે એમને સત્તા માટે કોઈ ધારાસભ્યની જરૂર નથી. જે રીતે આપ અને કૉંગ્રેસમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય રાજીનામું આપે તો એ બંને પાર્ટી માટે ચિંતાનો વિષય છે.તેમણે વધુમાં કહ્યું હતું કે, ચૂંટણીમાં જે લોકોએ પક્ષવિરોધી પ્રવૃત્તિ કરી છે જેની લેખિતમાં રજૂઆત કરી છે. એ લોકોને દૂર કરવાના બદલે હોદ્દા આપવામાં આવ્યા, શિસ્તવિરુદ્ધ પ્રવૃત્તિ બદલ કોઈ કાર્યવાહી કરવામાં ન આવે. રજૂઆત કર્યાને એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છતાં કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો તો હું માનું છું કે આ નિર્ણય શક્તિનો અભાવ છે. મેં છ મહિના પહેલાં જ રજૂઆત કરી હતી કે, ચૂંટણીમાં જે લોકોએ પક્ષવિરુદ્ધ પ્રવૃત્તિ કરી છે તેની સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો હું પક્ષમાંથી રાજીનામું આપીશ.