તબીબોએ કર્યું CM વિજય રૂપાણીના સ્વાસ્થ્યનું પરિક્ષણ, કહ્યું CM સંપૂર્ણ સ્વસ્થ છે

ગુરુવાર, 16 એપ્રિલ 2020 (10:55 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીના સ્વાસ્થ્યનું બુધવારે સવારે ગુજરાતના અગ્રણી તબીબો ડૉ. આર. કે. પટેલ અને ડૉ. અતુલ પટેલ દ્વારા પરિક્ષણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ સંદર્ભમાં જણાવ્યું કે, મુખ્યમંત્રી સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેમના તમામ પેરામિટર્સ નોર્મલ છે. મુખ્યમંત્રી હાલ તેઓના નિવાસસ્થાનેથી રાજ્ય સરકારની તમામ કામગીરીનું સંચાલન અને તંત્રનું માર્ગદર્શન ટેકનોલોજીના ઉપયોગથી વિડીયો કોન્ફરન્સ, વિડીયો કોલીંગ અને ટેલિફોન સંવાદ દ્વારા કરી રહ્યા છે. મુખ્યમંત્રીના નિવાસસ્થાને આવતા એક સપ્તાહ સુધી કોઇપણ મુલાકાતીને પ્રવેશ આપવામાં નહી આવે.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારની તમામ કામગીરીનું સંચાલન અને માર્ગદર્શન ટેકનોલોજીના ઉપયોગથી મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી રાબેતા મુજબ કરશે. તેમણે કહ્યું કે, તા. ૧૪ એપ્રિલ, મંગળવારે બપોરે મુખ્યમંત્રીના નિવાસસ્થાને અમદાવાદ શહેરના ત્રણ ધારાસભ્યો ગ્યાસુદિન શેખ, શૈલષ પરમાર અને ઇમરાન ખેડાવાલાની મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી સાથે બેઠક યોજવામાં આવી હતી. અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં કોરોના વાયરસના વધતા જતા સંક્રમણને પગલે આ વિસ્તારોની પરિસ્થિતીની ગહન ચર્ચા અને તકેદારી રૂપે કરફયુ જાહેર કરવાની સમગ્ર બાબતોના પરામર્શ માટે આ બેઠક યોજવામાં આવી હતી.
 
આ બેઠકમાં હાજર રહેલા ધારાસભ્ય શ્રી ઇમરાન ખેડાવાલાને તાવ અને શરદીના લક્ષણો જણાતાં તબીબી પરિક્ષણ કરાવેલું જેનો રિપોર્ટ આવવાનો બાકી હતો. આ દરમ્યાન તેઓ મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક બાદ મંગળવારે સાંજે ઇમરાન ખેડાવાલાનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનું બુધવારે આરોગ્ય પરિક્ષણ કરવામાં આવ્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર