બ્લડ પ્રેસરની બિમારી સાથે ૪૦ વર્ષીય સૈયરભાઇ ૩ દિવસ બાયપેપ રહી ૧૭ દિવસમાં કોરોના સામે જંગ જીત્યા

રવિવાર, 2 મે 2021 (19:53 IST)
કોરોના વૈશ્વિક મહામારી ગંભીર હોવા છતાં સચોટ અને સમયસરની સારવાર થકી અનેક દર્દીઓને નવજીવન મળ્યું છે. સુરત સ્મીમેર હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ ૪૦ વર્ષીય સૈયરભાઇ રજનીકાંત મોરખીયા કોરોનાને ૧૭ દિવસમાં પરાસ્ત કર્યો છે.
 
૪૦ વર્ષીય સાડીના વેપારી સૈયરભાઇ મોરખીયા મૂળ બનાસંકાઠા થરાડ જિલ્લાના રહેવાસી છે છેલ્લા ૧૬ વર્ષથી સુરતના કતારગામમાં તાપી નગર સોસાયટીમાં પરિવાર સાથે રહે છે. છેલ્લાં ૩ વર્ષથી બ્લડપ્રેશરની બિમારી ધરાવે છે. તેઓને તા.૧૩ એપ્રિલએ તાવ, શરદી ખાંસીના લક્ષણો સાથે કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતાં સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. સમયસર દવા, ઇન્જેક્શન, ઉકાળા જેવી સારવારથી તેમની તંદુરસ્તીમાં ઘણો સુધારો થયો અને સ્વસ્થ થઈ કોરોનામુક્ત બન્યાં છે.
 
સૈયરભાઇ રજનીકાંત મોરખીયાએ પોતાનો અનુભવ વર્ણવતા જણાવે છે કે, કોરોના હોવાથી હોસ્પિટલમાં દાખલ થવાનો ખુબ ડર લાગતો હતો, પરંતુ મારા ભાઇની વાત માની તા.૧૩ એપ્રિલના  રોજ હોસ્પિટલમાં દાખલ થયો, જ્યાં તબીબો, નર્સ, સફાઇ કર્મચારીઓની સેવાનો સાક્ષી બન્યો છું, નિ:સ્વાર્થ ભાવે સેવા કરતા તમામ કર્મચારીઓની કામગીરી અને પ્રેમ જોઈ હોસ્પિટલ મારા બીજા ઘર સમાન લાગતી હતી. સમયસર ભોજન, ગરમ દુધ, નાસ્તો, બિસ્કિટ વગેરે ઉપરાંત ઉકાળો પણ આપવામાં આવતો હતો. હોસ્પિટલ સ્ટાફ પરિવારના સદસ્યની જેમ કાળજી રાખતા હતા.
 
સૈયરભાઇએ વિગતો આપતા જણાવ્યું હતું કે “ મને તાવ આવતા કતારગામ પીએસી સેન્ટર ખાતે કોરોના ટેસ્ટ કરાવતા પોઝિટીવ આવ્યો હતો. જેથી સ્મીમેર હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે દાખલ થયો હતો. સરકારની ગાઇડલાઇન પ્રમાણે રેમડેસિવિર અને પ્લાઝમા પણ આપવામાં આવ્યા હતા.  તા.૧૩ થી ૧૮ સુઘી મને ૧૫ લિટર ઓક્સિજન પર રાખ્યા બાદ તબીય બગડતા તા. ૧૮ થી ૨૦ બાયપેપ પર રાખવામાં આવ્યા હતા ત્યારબાદ તબીયતમાં સુઘારો આવતા તા.૨૦ થી ૨૫ સુઘી ફરી ૧૫ લિટર ઓક્સિજન પર મુક્યા બાદ ધીરે ધીરે ૨ લિટર ઓક્સિજન પર રાખ્યા હતા.ઉપરાંત અન્ય બિમારીને ધ્યાનમાં રાખી ભોજન આપવામાં આવતું હતું. સ્મીમેના તબીબોની મહેનતથી તેઓએ કોરોનાસામેનો જંગ જીત્યા છે. ૧૭ દિવસની સારવાર બાદ તા.૩૦ એપ્રિલના રોજ એમની તબિયતમાં સુધારો આવતા રજા આપવામાં આવી હતી.
 
કોરોના વાયરસની મહામારીના સમયે સ્મીમેરના તબીબો ડો.અશોક ગાગીઆ, ડો.હર્ષિની કોઠારી, ડો.ધ્રુવ જરીવાલા, ડો.લીરી ખુન્તી, ડો.ગૌરવ રૈયાણી, ડો. યશ શાહ, ડો.વિનીત પ્રજાપતિ, ડો.અભિષેકકુમાર ડો. હર્ષ દુધાની અને કિશોર ટંડેલ સહિત નર્સિંગ સ્ટાફની યોગ્ય સારવારથી કતારગામના ૪૦ વર્ષીય સાડીના વેપારી સૈયરભાઇ રજનીકાંત મોરખીયા કોરોના મુક્ત થઇ પોતાના ઘરે પરત ફર્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર