કૌભાંડી વિનય શાહની ધરપકડ થતા રોકાણકારોમાં મૂડી તો પાછી મળશે એવી આશા બંધાઈ
બુધવાર, 28 નવેમ્બર 2018 (12:28 IST)
જાહેરાત જુઓ અને નાણાં કમાવ જેવી સ્કિમ બહાર પાડીને એક લાખથી વધુ લોકો સાથે કરોડોની છેતરપિંડી કરી ભાગી ગયેલો વિનય શાહ અંતે નેપાળમાં ઝડપાઈ ગયો હતો. જેને કારણે પોતાના ફસાયેલા પૈસા પરત મળશે એવી આશાએ રોકાણકારોએ સીઆઈડી ક્રાઈમની ગાંધીનગર ઓફિસે ધસારો કર્યો હતો. જેમાં આજે એક જ દિવસમાં છેતરાયેલા ૧૩૦ જણાએ પોલીસનો સંપર્ક સાંધ્યો હતો.
કરોડોનું ફુલેકુ ફેરવીને વિનય શાહ ફરાર થઈ જતા રોકાણકારોને તેમના નાણાં પરત મળશે કે કેમ, એવી શંકા જાગી હતી. જોકે વિનય શાહ તેની સ્ત્રી મિત્ર સાથે નેપાળના કાઠમંડુમાં નેપાળ પોલીસને હાથે ઝડપાઈ ગયો હતો.
વિનય શાહની ધરપકડની માહિતી મળતા જ રોકાણકારોએ સીઆઈડી ક્રાઈમની ગાંધીનગર સ્થિત ઓફિસે સવારથી જ ધસારો કર્યો હતો. સેક્ટર-૨૧માં સહયોગ સંકુલમાં આવેલી સીઆઈડી ક્રાઈમની આર્થિક ગુના નિવારણ શાખાની બહાર છતરાયેલા લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. જ્યાં એક પોલીસ કર્મચારી એક પછી એક રોકાણકારને અંદર બોલાવી રજીસ્ટરમાં તેમના નામ સરનામા અને મોબાઈલ નંબરની નોંધણી કરતો હતો. બાદમાં વારાફરથી તેમને નિવેદન માટે બોલાવવામાં આવતા હતા.
આ કૌભાંડ થયું અને ગુનો નોંધાયો ત્યારથી છેતરાયેલા ૫૦ જણાએ પોતાના નિવેદન નોંધાવ્યા હતા. જ્યારે ૨૭ નવેમ્બરના રોજ એક જ દિવસમાં ૧૩૦ રોકાણકારો અહીં ધસી આવ્યા હતા. જેમાં ૧૦૦ જણાના નિવેદન નોંધવામાં આવ્યા હતા. મોટેભાગે બાપુનગર, રખિયાલ,નરોડા અને ઓઢવના રોકાણકારો નિવેદન નોંધાવવા આવ્યા હતા. કેટલાક રોકાણકારોએ વિનય શાહની સીલ કરવામાં આવેલી મિલકત અને કબજે કરાયેલ રોકડ રકમમાંથી તેમને કંઈક તો મળશે, એમ કહ્યું હતું