પાર્કિગ બાબતે મોલ-મલ્ટિપ્લેક્સનું મનસ્વી વલણ નહીં ચલાવી લેવાય : હાઇકોર્ટ

બુધવાર, 28 નવેમ્બર 2018 (12:18 IST)
મોલ-મલ્ટિપ્લેકસમાં પાર્કિંગ ચાર્જ મુદ્દે થયેલી પીટિશનની સુનાવણીમાં આજે ગુજરાત હાઈકોર્ટે અરજદાર મોલ-મલ્ટિપ્લેક્સ માલિકોને ટકોર કરી હતી કે મોલ-મલ્ટિપ્લેક્સનું મનસ્વી વલણ ચલાવી લેવામાં નહીં આવે. પાર્કિંગ ફી મુદ્દે તેમને ટકોર કરવામાં ન આવે તો તેઓ ભવિષ્યમાં મોલ-મલ્ટિપ્લેક્સ બાળકો અને વૃદ્ધો પાસેથી એન્ટ્રી ફી ઉઘરાવવામાં માંડે તેવું પણ બની શકે છે. પીટિશનની વધુ સુનાવણી ૩૦મી નવેમ્બર પર મુલતવી રાખવામાં આવી છે.

મોલ-મલ્ટિપ્લેક્સમાં શરૃઆતના એક કલાક ફ્રી પાર્કિંગ અને એક કલાક પછી ટુ-વ્હીલર પાસેથી મહત્તમ ૧૦ રૃપિયા અને ફોર-વ્હીલર પાસેથી મહત્તમ ૩૦ રૃપિયા વસૂલવાના સિંગલ જજના આદેશને પડકારતી અરજી મોલ-મલ્ટિપ્લેક્સ દ્વારા કરવામાં આવી છે. ગઈકાલની સુનાવણીમાં કાર્યકારી ચીફ જસ્ટિસ અનંત દવે અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ખંડપીઠે અરજદારોને વેધક સવાલ કર્યો હતો કે મોલ-મલ્ટિપ્લેકસને પાર્કિંગ ચાર્જ વસૂલવાની કોઈ સત્તા છે ખરી ? આજની સુનાવણીમાં પણ હાઇકોર્ટે ટકોર કરી છે કે સિંગલ જજના આદેશ સાથે ડિવીઝન બેંચ સહમત થાય તેવું જરૃરી નથી. કોર્ટ અરજદારોના દ્રષ્ટિકોણથી વિચારે તે પણ જરૃરી નથી. મોલ-મલ્ટિપ્લેક્સનું આવું મનસ્વી વર્તન જરાપમ ચલાવી લેવામાં નહીં આવે. જે મોલ-મલ્ટિપ્લેક્સ જરૃરી સુવિધાઓ વિના પાર્કિંગ ચાર્જ વસૂલે છે તેમના વિરૃધ્ધ બોમ્બે પોલીસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની તાકીદ પણ રાજ્ય સરકાને કરવામાં આવી છે. આ મુદ્દે વધુ સુનાવણી ૩૦મી નવેમ્બરે હાથ ધરાશે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર