સરકારના મંત્રીએ માનવભક્ષી દીપડાને મારી નાંખવાની માંગ કરતાં સરકાર મૂંઝવણમાં

મંગળવાર, 27 નવેમ્બર 2018 (12:30 IST)
દાહોદ જિલ્લાના ધાનપુર પંથકમાં દેખાયેલા માનવભક્ષી દીપડાનો હવે આધેડ વયની મહિલા શિકાર બની હોવાનો કિસ્સો આજે બન્યો હતો. ધાનપુર તાલુકાના ભાણપુર ગામે જંગલમાં લાકડા વિણવા ગયેલી પચાસ વર્ષની મહિલા પર દીપડાએ હુમલો કરીને ફાડી ખાધી હતી. આ અગાઉ આ પંથકમાં બે બાળાઓને ફાડી ખાધી તેમજ ચાર વ્યક્તિઓ પર હુમલા કર્યા હોવાના કિસ્સા છેલ્લા એક સપ્તાહમાં બની ચૂક્યો છે.
ભયના ઓથાર હેઠળ જીવી રહેલા સ્થાનિક રહીશોનો ડર દૂર કરવા તથા હજી વધુ વ્યક્તિઓ હુમલા થાય તે અગાઉ તેની હત્યા કરવા માટે વિચારણા કરવા માટે સ્થાનિક ધારાસભ્ય તથા રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડે વનવિભાગમાં રજૂઆત કરી હતી. અલબત્ત, આ બાબતે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યુ હોવાથી વનવિભાગે આ વિષયને રાજ્ય સરકારમાં મોકલી આપ્યો છે. 
ધાનપુર પંથકમાં સોમવારે સવારે જંગલ વિણવા ગયેલી પંચાવન વર્ષની આધેડ મહિલા પર હુમલો કરીને દીપડાએ ફાડી નાંખી હોવાની વધુ એક ઘટના બની છે. છેલ્લા એક સપ્તાહમાં જ બે બાળાઓ સહિત ત્રણ વ્યક્તિઓનો ભોગ લેનાર દીપડાના હુમલામાં ચાર વ્યક્તિઓ ઇજાગ્રસ્ત પણ થયા છે. આ સ્થિતિના કારણે આખા પંથકમાં સ્થાનીક ગ્રામજનોમાં ડરનો માહોલ ઉભો થઇ ગયો છે.
વનવિભાગ તરફથી લગભગ દોઢસો જેટલા કર્મચારીઓને તૈનાત કરી દેવામાં આવ્યા છે. લગભગ આઠ સ્થળોએ પાંજરા ગોઠવી દેવામાં આવ્યા છે. લગભગ વીસ ઉપરાંત સ્થળોએ ખૂલ્લામાં મારણ ઉભા કરી દેવામાં આવ્યા હોવા છતાં દીપડાને જેર કરવામાં સફળતા મળતી નથી. અલબત્ત, પશુધનને છોડીને હવે માનવી પર હુમલાના બનવો સતત વધતા રહ્યા છે. 
વનવિભાગ દ્વારા હવે માણસ આકારના બાવલા બનાવીને દીપડાને ટ્રેપમાં લેવાના પ્રયાસ શરૂ થઇ ગયા છે. બીજી તરફ સ્થાનિક રહીશો માટે જોખમરૂપ બની રહેલો દીપડો વધુ જાનહાનિ કરે તે અગાઉ હવે તેને સૂટ એન્ડ સાઇડના ઓર્ડર મેળવીને તેની હત્યા કરવાની પણ માંગણી ઊઠી છે. અલબત્ત, આ બાબતે વનવિભાગના ઉચ્ચ અધિકારીઓને રાજ્ય સરકારના જ મંત્રી તરફથી મળેલી રજૂઆતના પગલે નિર્ણય રાજ્ય સરકાર છોડી દીધો છે. તાજેતરમાં મહારાષ્ટમાં એક વાઘણને મારવાની આવી હોવાની બાદ વિવાદ ઉભો થયો હતો. જેના પગલે રાજ્ય સરકાર આ માનવભક્ષીના દીપડાના મામલે પણ ભારે મૂંઝવણમાં મૂકાયેલી હોવાનું બહાર આવ્યું છે. જો કે, સોમવારે બપોર બાદ વધુ ફોર્સ આ પંથકમાં ખડકી દેવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર