અમદાવાદમાં દલિતો પોલીસ વચ્ચે ઘર્ષણ પોલીસે ટિયર ગેસનાં સેલ છોડ્યાં
સોમવાર, 2 એપ્રિલ 2018 (16:46 IST)
સમગ્ર રાજ્યમાં દલિત સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે અમદાવાદના સારંગપુર વિસ્તારમાં દલિતો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે તોફાની ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરતાં પોલીસે ટિયર ગેસના સેલ છોડ્યાં હતાં. આજે સવારથી સારંગપુર અને સરસપુર વિસ્તારમાં દલિતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભારત બંધના પગલે આજે અમદાવાદમાં પણ દલિત સંગઠનો દ્વારા બજાર અને કોલેજો બંધ કરાવવાનો પ્રયાસ કરાયો હતો.
જ્યારે સારંગપુર ખાતે વિરોધ કરી રહેલાં કલોલના દલિત યુવાન મુકેશ શાહે હાથની નશ કાપી આપધાતનો પ્રયાસ કર્યો હતો. ઉપરાંત દલિતોના ટોળા શહેરમાં ઠેર-ઠેર ફરી વળતાં BRTSની બસો બંધ કરી દેવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દેશવ્યાપી દલિત આંદોલન અંગે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર દલિત હિત મુદ્દે સંપૂર્ણ સંવેદનશીલ છે અને કેન્દ્ર સરકારે sc-st એક્ટ સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે રિવ્યુ પિટિશન પણ દાખલ કરી છે. કોંગ્રેસ દલિતોના મામલે રાજનીતિ કરી રહી છે. કોંગ્રેસ મગરના આંસુ સારે છે. રાજ્યમાં બંધની અસર નથી અને કાયદો વ્યવસ્થા અને સલામતીનો સંપૂર્ણ પ્રબંધ છે
. દલિત વિરોધી કાયદાને અમલમાં લાવવાથી દલિતોને નુકસાન જવાનો ભય છે. તેથી સરકાર જો પોતાનો પક્ષ દલિતોના સમર્થનમાં અદાલતમાં રજૂ નહીં કરે તો 14 એપ્રિલના રોજ આંબેડકર જયંતિના દિવસે બીજેપીના એકપણ નેતાને બાબા સાહેબની પ્રતિમાને અડવા નહીં દઇએ તેવી ચીમકી અપક્ષ ધારાસભ્ય અને દલિત નેતા જીજ્ઞેશ મેવાણીએ આપી હતી.