વિસનગરમાં ધૂળેટીના દિવસે લોકો જૂતાં મારીને કેમ ધૂળેટી ઉજવે છે

શનિવાર, 3 માર્ચ 2018 (13:07 IST)
હોળી-ધૂળેટીના પર્વે ઉત્તર ગુજરાતના વિસનગરમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે અહીં 'યુદ્ધના સ્વરૂપ'માં જૂતા મારવાની ખાસ પરંપરા છે. અહીં ધૂળેટીના દિવસે રીતસરના લોકો એક બીજાને ખાસડા મારે છે. વિસનગરમાં છેલ્લા ૨૦૦ વર્ષોથી હોળી-ધૂળેટીના દિવસે આ 'ખાસડાયુદ્ધ'ની પરંપરા ચાલી આવે છે. અહીં નાના બાળકોથી લઈને યુવાનો અને કેટલાક વડીલો પણ પોતાની મસ્તીમાં ધૂળેટીના પર્વ પર ઉજવાતા ખાસડાયુદ્ધમાં ભાગ લે છે. વિસનગરના મંડી બજારની ગલીઓમાં યોજાતા ખાસડાયુદ્ધને જોઈને એક સમયે તમને લાગે કે અહીં કોઈ મોટો ઝઘડો થઈ ગયો લાગે છે. પરંતુ આ કોઈ ઝઘડો નહીં પરંતુ વર્ષોથી ચાલી આવતી એકબીજાને જૂતા મારવાની પરંપરા છે.

ધૂળેટી આવતા જ અહીં ચબુતરા પાસે જૂના જૂતા એકઠા કરાય છે. જૂતા ઉપરાંત સળેલા શાકભાજી પણ ભેગા કરવામાં આવે છે. બાદમાં ધૂળેટીના દિવસે લોકોના બે જૂથ વચ્ચે પરંપરાગત રીતે ખાસડાયુદ્ધ થાય છે. જેમાં બંને પક્ષ જૂતા અને બગડેલા શાકભાજી ફેંકી સામા પક્ષને પાછળ ધકેલવાનો પ્રયાસ કરે છે. એવી માન્યતા છે કે આ ખાસડાયુદ્ધ દરમિયાન જે લોકોને ખાસડું વાગે છે તેનું આખુ વર્ષ સારું જાય છે. સામસામે છૂટ્ટી મારામારીની આ રમત અને પરંપરામાં લોકોની એકતા તેમજ અખંડિતતા આજદિન સુધી જાળવાઈ રહી છે. વિસનગરના યુવાઓ પોતાના વડીલોની ચાલી આવતી આ પરંપરાને જાળવી રાખવા માટે તેમજ આ રમતને પ્રોત્સાહન આપવા માટે ખાસડા ખાવા દોડી આવે છે. ટોળામાં દેખાતા અનેક યુવાનો પોતાનું વિશેષ વ્યક્તિત્વ ધરાવતા હોવા છતાં આજના દિવસે આ રતમની મજા માણે છે. આ રમતમાં તમામ જ્ઞાતિના લોકો કોઈ જ ભેદભાવ વગર ભાગ લે છે. હજારોની સંખ્યામાં યુવાઓ, વડીલો તેમજ બાળકો આ રમતમાં ભાગ લેવા માટે એકઠા થાય છે. ખાસડાયુદ્ધની આ રમતને જોવા લોકો અહીં દૂર દૂરથી દોડી આવે છે. બાળકો અને મહિલાઓ ખાસડું વાગવાના જોખમ વચ્ચે પણ ભયમુક્ત રહી આ પરંપરાને નીહાળે છે. અહીં ટોળા દ્વારા મહિલાઓ કે બાળકોને કોઈ જ નુકસાન પહોંચાડવામાં આવતું નથી. અજાણતા રમત જોવા આવેલા લોકોને ખાસડું વાગી જાય તો દર્શકો પણ તેનો આનંદ અનુભવે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર