મહેસાણાના પાટીદાર યુવક કેતન પટેલનું સબજેલમાં થયેલા મૃત્યુ બાદ સ્થિતિ બગડી છે. સ્થાનિકોનો આરોપ છે કે દસ હજારની ચોરીના કેસમાં પોલીસે ઢોર મારતા કેતનનું મોત નિપજ્યું હતું, જેના કારણે જવાબદાર પોલીસ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવે. આ બનાવના વિરોધમાં મહેસાણા બંધનું એલાન આપવામાં આવ્યુ હોવાને કારણે સમગ્ર મહેસાણા જડબેસલાક બંધ છે.
જ્યારે વિસનગર એપીએમસી માર્કેટ પણ બંધ કરાવવામાં આવ્યુ હોવાની જાણકારી મળી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે નહીં તે માટે મહેસાણાની સાથે ગાંધીનગર અને સાબરકાંઠા પોલીસને પણ મહેસાણામાં તૈનાત કરી દીધી છે. જ્યારે સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સની 17 કંપનીઓ પણ પોલીસની મદદમાં બોલાવવામાં આવી છે. આ ઘટના બાદ મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે લોકોના ટોળા એકત્ર થયાની પણ જાણકારી છે. હાલમાં પેનલ ડૉક્ટરોની હાજરીમાં વિડીયોગ્રાફી સાથે પોસ્ટમાર્ટમ થઈ રહ્યુ છે. પોલીસનું કહેવુ છે કે પીએમ રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે કે કેતનનું મોત કયાં કારણે થયુ હતું જેના આધારે આગળની કાર્યવાહી થશે. પાટીદારોનો કેસ લડતા સિનિયર એડવોકેટ બાબુ માંગુકિયા પણ મહેસાણા સિવિલ પહોંચી ગયા છે. આ ઉપરાંત પાટીદાર નેતા લાલજી પટેલે પણ કહ્યુ હતું કેતનની હત્યા કરનાર પોલીસ અધિકારી સામે ગુનો નોંધવો જ પડશે જયાં સુધી ગુનો નોંધાશે નહીં ત્યાં સુધી કેતનના અંતિમ સંસ્કાર થશે નહીં. મહેસાણાના બલોલ ગામના કેતન પટેલના પોલીસ કસ્ટડીમાં મોત મામલે આજે મહેસાણા અને વિસનગરમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યો છે. આ ઘટનાના પડઘા બલોલ ગામમાં પણ પડ્યા છે અને ટોળાએ એસટી બસને રોકીને આગ ચાંપી દીધી છે.