ભાજપ કોંગ્રેસ સામે કોળી સમાજ લાલઘૂમ, પુરૂષોત્તમ સોલંકી અને કુંવરજી બાવળીયાને અન્યાય કેમ
મંગળવાર, 9 જાન્યુઆરી 2018 (12:21 IST)
નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે પાટીદાર પાવર દેખાડીને નાણાં ખાતુ મેળવ્યા બાદ ભાજપમાં મંત્રી પરષોતમ સોલંકીએ પણ સારા ખાતાની ડિમાન્ડ સાથે માથુ ઉંચક્યુ છે. આ તરફ,કોંગ્રેસમાં કુંવરજી બાવળિયાને વિરોધપક્ષના નેતા ન બનાવાતા નારાજ થયાં છે. કોળી સમાજ હવે ભાજપ અને કોંગ્રેસ સામે લાલઆંખ કરવાના મૂડમાં છે.રાજકીય પક્ષોને સબક શિખવાડવાના હેતુસર ૧૦મીએ અમદાવાદમાં અખિલ ભારતીય કોળી સમાજની બેઠક મળી રહી છે. મંત્રી પરષોતમ સોલંકીએ મત્સ્ય ઉધોગને બદલે સારું ખાતુ આપવા માંગ કરી છે જેના પગલે મુખ્યમંત્રીએ એકાદ અઠવાડિયામા તેમની માંગણી પૂર્ણ કરવા ખાતરી આપી છે. પરષોતમ સોલંકી સાથે અન્યાય કરાતાં કોળીઓ ભાજપથી નારાજ થયા છે.
કોંગ્રેસમાંય ચાર ટર્મ ધારાસભ્ય અને એક ટર્મ સાંસદ તરીકે ચૂંટાયેલાં કુંવરજી બાવળિયા સૌરાષ્ટ્રના મજબૂત કોળી આગેવાન છે. અનુભવને લીધે બાવળિયાએ વિપક્ષી નેતાપદ માટે દોડ લગાવી હતી પણ હાઇકમાન્ડે યુવા ધારાસભ્ય પરેશ ધાનાણીને તક આપી હતી. આ જોતાં કોંગ્રેસે આ કોળી ધારાસભ્યની ધરાર અવગણના કરી છે તેવી કોળી સમાજમાં લાગણી પ્રવર્તી રહી છે. અખિલ ભારતીય કોળી સમાજ-ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ચંદ્રવદન પિઠાવાલાએ જણાવ્યું કે,૧૦મીએ અમદાવાદમાં અખિલ ભારતીય કોળી સમાજની બેઠક મળશે જેમાં રાજકીય પ્રતિનિધીત્વને લઇને ચર્ચા કરાશે.૧૭ રાજ્યોના કોળી સમાજના પ્રમુખો,સેક્રેટરી ઉપસ્થિત રહેશે. કુંવરજી બાવળિયાને વિપક્ષના નેતા નહી બનાવી કોંગ્રેસે અન્યાય કર્યો છે જેનાથી કોળી સમાજ નારાજ છે. પરષોતમ સોલંકીના મુદ્દે પણ સમાજ આગામી રણનિતી ઘડશે. રાજકીય પક્ષો કોળી સમાજ સાથે કેમ અન્યાય કરી રહ્યાં છે તે સમજાતુ નથી. કોળી માત્ર વોટબેન્ક નથી. કોળી સમાજનો માત્ર રાજકીય પક્ષો ઉપયોગ કરી રહ્યાં છે.આ સંજોગોમાં આગામી દિવસોમાં શું કરવું,સંગઠનને વધુ મજબૂત કરવું,રાજકીય પક્ષોએ નોંધ લેવી પડે તે માટે કેવા નિર્ણય લેવા તે તમામ પાસાની ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવશે. આમ,કોળી સમાજ હવે ભાજપ-કોંગ્રેસને રાજકીય સબક શિખવાડવા મેદાને પડે તેવા એંધાણ વર્તાઇ રહ્યાં છે.ગુજરાતના રાજકારણમાં ફરી ગરમાવો આવી શકે છે.