ગુજરાતમાં શનિવારે પ્રથમ તબક્કા દરમિયાન ઈવીએમમાં ગરબડની વાત સામે આવી છે. કોંગ્રેસે ઘણી જગ્યાએ ઈવીએમ મશીનમાં ગરબડની ફરિયાદ કરી છે. કોંગ્રેસે પોરબંદરમાં કેટલીક જગ્યાઓ પર ઈવીએમ વાઈ-ફાઈ સાથે કનેક્ટ કરાયા હોવાની પણ ફરિયાદ કરી છે. તો ભાજપે તેને પાયાવિહોણી ફરિયાદ જણાવતા કોંગ્રેસની અકળામણ જણાવી. કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહેલે આરોપ લગાવતા કહ્યું કે, ઈવીએમમાં ગરબડની ફરિયાદ ચૂંટણી પંચને કરીશું.
તેમણે કહ્યું કે, ‘કેટલીક જગ્યાઓ પર ઈવીએમમાં ગરબડની ફરિયાદના અહેવાલ છે, ક્યાંક મશીનો ખરાબ હોવાને કારણે મતદાન શરૂ થવામાં મોડું થયું.’ તેમણે કહ્યું કે, અત્યાર સુધીમાં 16 જગ્યાએથી ઈવીએમમાં ગરબડ હોવાની વાત સામે આવી. પોરબંદરમાંથી 8, અમરેલીમાંથી 3, વલસાડમાંથી 5 બૂથોમાં ગરબડની ફરિયાદ મળી છે.તો ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસના આ આરોપોને પાયાવિહોણા જણાવતા કહ્યું કે, ‘હજુ મતદાન પુરું પણ નથી થયું અને પહેલા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. સવારે-સવારે ઈવીએમ પર હુમલા કરી કોંગ્રેસે પોતાની હતાશા અને અકળામણનો પરિચય આપી દીધો છે. તેની હાર સ્પષ્ટ છે અને એ તેના ચહેરા પર લખેલું છે. તે ઈવીએમની પાછળ પોતાની હારને છૂપાવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો ઈવીએમમાં ગરબડ છે તો ચૂંટણી પંચ તેના પર કાર્યવાહી કરશે. સુરતના વરાછામાં સરદાર પટેલ વિદ્યાલયમાં બનેલા બૂથ પર મશીન ખરાબ હોવાની વાત સામે આવી, જેને બદલી દેવાયું. અહીં પર ચૂંટણી પંચના માસ્ટર ટ્રેનર વિપુલ ગોટીએ કહ્યું કે, ‘અમે બે ઈવીએમઅને એક વીવીપીએટી બદલી દેવામાં આવ્યું છે. તેને કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ ન કહી શકાય, આ ઈલેક્ટ્રોનિક સામાન છે, તેમાં કેટલીક તકલીફ થઈ શકે છે. હવે બધું બરાબર છે અને વોટિંગ શરુ થઈ ચૂક્યું છે.