મંદીને કારણે ખુદ હીરાના કારખાનાનો માલિક જાતે જ 60 લાખના હિરાનો લૂંટારો બન્યો
સોમવાર, 27 જાન્યુઆરી 2020 (12:00 IST)
ગુજરાતમાં નોટબંધી પછી નવસારીના હિરા ઉદ્યોગમાં પણ મંદીનો માહોલ છવાયો છે. કેટલાય રત્નકલાકારોએ પોતાનો વ્યવસાય બદલી નાંખ્યો છે તો વેપારીઓ પણ આ ઉદ્યોગથી ઉચાટભરી રહ્યા છે. મંદીના ખપ્પરમાં હોમાય રહેલા હિરા ઉદ્યોગ સાથે સંકળાયેલા બનાસકાંઠાના મૂળ વતની અને નવસારીમાં જ હિરાનો વેપાર અને રત્નકલાકાર તરીકે કામ કરનારા આજે લૂંટારૂ બની ગયા છે. લૂંટની ઘટનામાં ઝડપાયેલા લૂંટારૂ એક સમયનો હિરાનો નાનો વેપારી છે. મંદીના કારણે એક નાનો વેપારી આખરે લૂંટારૂ બની ગયાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. હાલ પોલીસે ધરપકડ કરી રૂ. 60 લાખના હિરાની લૂંટનો ભેદ ઉકેલ્યો છે, જ્યારે ત્રણને વોન્ટેડ જાહેર કર્યા છે. નવસારીમાં 21મી જાન્યુઆરીએ અજીત સોસાયટી પાસે હીરાનાં વેપારી સુરેશ શાહ પોતાના ઘરે મોપેડ ઉપર જતા હતા ત્યારે એક બાઈક ચાલકે તેની સાથે બાઈક અથડાવીને બોલચાલી કરતા ત્યાં બીજા બે યુવાનો આવીને તેમની પાસેથી રૂ. 60 લાખ હીરા ભરેલા બેગની લૂંટ કરીને ભાગી ગયા હતા. નવસારી ટાઉન પીઆઈ મયુર પટેલ અને તેમની ટીમે સઘન તપાસ હાથ ધરી હતી. તેમને મળેલી બાતમીને આધારે આ હીરાની લૂંટનો એક આરોપી હીરા ચૌધરીને શાંતાદેવી રોડ ખાતેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે 4 દિવસમાં જ હીરાની લૂંટનાં આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. આ સમગ્ર ઘટના હીરામાં આવેલી મંદીને કારણે હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા 4 લોકો આ ઘટનામાં સામેલ હોવાનું પોલીસે જણાવ્યું હતું. રૂ. 60 લાખની હીરાના બેગની લૂંટની ઘટનાને પગલે રેંજ આઈજી રાજકુમાર પાંડિયન પણ મોડી રાત્રિએ નવસારી ધસી આવ્યા હતા.