દક્ષિણ ગુજરાતમાં નાર્કોટીક્સ ડ્રગ્સની હેરાફેરીનું પ્રમાણ વધી રહ્યું છે
ગુરુવાર, 22 નવેમ્બર 2018 (12:06 IST)
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પ્રતિબંધિત નાર્કોટીક્સ ડ્રગ્સની હેરાફેરીનું પ્રમાણ વધી રહ્યું છે. છેલ્લાં પાંચ-છ માસના ગાળામાં જ વલસાડ, સુરત અને ભરુચથી કરોડો રૂપિયાની કિંમતના નાર્કોટીક્સ ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં નાર્કોટીક્સ એન્ડ સાયકો ટ્રોપિક સબસ્ટેન્સીસ એક્ટ હેઠળ પ્રતિબંધિત ડ્રગ્સના જથ્થાની ફેરાફેરીનું પ્રમાણ વધી રહ્યું હોવાના તાજેતરમાં એકથી વધુ કિસ્સા બહાર આવ્યા છે. તાજેતરમાં જ સુરત-અમદાવાદ ડીઆરઆઈના સંયુક્ત ઓપરેશનમાં ભરુચથી રૂ.૨ કરોડની કિંમતનો પ્રતિબંધિત મેફેડ્રેનના જથ્થા સાથે બે ભરુચવાસીને પકડી જેલભેગા કર્યા છે. ગત મે મહિનામાં સુરત-અમદાવાદ ડીઆરઆઈની ટીમે વલસાડની ગેલેક્ષી ફાર્મા કંપનીની પ્રિમાઈસીસમાંથી રૂ.૬.૭ કરોડની કિંમતની ફાઈટર ડ્રગ્સ તરીકે ઓળખાતી ટ્રમડોલ નામની ટેબ્લેટ્સ અને પાવડર ફોર્મમાં જથ્થો ઝડપી પાડયો હતો.જે ડ્રગ્સ મીડલ ઈસ્ટના વોરઝોનના આતંકી સંગઠન ગુ્રપના સભ્યોમાં ફાઈટર ડ્રગ્સ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ અગાઉ પણ પ્રતિબંધિત કેટેમાઈનડ્રગ્સનો જથ્થો સુરત ડીઆરઆઈએ ઝડપી પાડયો હતો. છેલ્લાં ત્રણ-ચાર માસમાં જ સુરત-અમદાવાદ ડીઆરઆઈએ વલસાડ, સુરત અને ભરુચથી કરોડો રૂપિયાની કિંમતના નાર્કોટીક્સ ડ્રગ્સની ફેરાફેરીના ત્રણ જેટલા કેસોનો પર્દાફાશ કર્યો છે. ખાસ કરીને આજની યુવા પેઢીમાં પ્રચલિત બનતી જતી રેવ પાર્ટીમાં આવા મેફેડ્રેન, ટ્રમડોલ અને કેટેમાઈન જેવા પ્રતિબંધિત નાર્કોટીક્સ ડ્રગ્સનો મોટા પાયા પર ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું છે. આવા ડ્રગ્સની હેરાફેરીના કિસ્સામાં મોટા ભાગે ફાર્માસ્યુટીકલ કે દવા બનાવતી કંપનીઓ સહિત ટુંકાગાળામાં વધુ નાણાં કમાઈ લેવા માંગતા ફાર્માસ્યુટીકલ ક્ષેત્રના યુવાનોનું નોંધપાત્ર પ્રમાણ જણાઈ આવ્યું છે