અમદાવાદમાં સતત કોરોના કેસ વધી રહ્યા છે તેમછતાં લોકો માસ્ક પહેર્યા વિના તેમજ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવતાં ફરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં રવિવારે મોડી રાતે ઉત્તર-પશ્ચિમ ઝોનમાં વસ્ત્રાપુર લેઈકની પાસે આવેલા આલ્ફાવન મોલની સામેની ગલીમાંના 21 જેટલા દબાણો દુર કર્યા છે.શહેરના સિંધુ ભવન રોડ પર ચાર ફાસ્ટફૂડ યુનિટો સીલ કરવામાં આવ્યા છે.
ઉત્તર-પશ્ચિમ ઝોનના ડેપ્યુટી કમિશનર સી.આર.ખરસાણની આગેવાનીમાં મ્યુનિ.ની સોલિડ વેસ્ટની ટીમ વસ્ત્રાપુર લેક આસપાસના ચાલી રહેલા લારી-ગલ્લા અને ફૂડ કોર્ટ પર ત્રાટકી હતી અને 21થી વધુ લારી-ગલ્લાઓ જપ્ત કરી દબાણની ગાડીમાં મોકલી આપવામાં આવ્યા હતા.સિંધુભવન રોડ પર ધમધમતા દેવરાજ ફાર્મ,બિસ્મિલ્લા ફાસ્ટફૂડ,ધ પુટનીર અને એસબીઆરને મ્યુનિ.દ્વારા કોવિડ-19ની ગાઈડલાઈનના ભંગ બદલ સીલ કરી દંડનીય કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.
રવિવારે AMC દ્વારા નવરંગપુરા-વસ્ત્રાપુર વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. HL કોલેજ પાસેનું ચાય સુટ્ટા બાર અને IIM રોડ પર ડેનિસ કોફીબાર સીલ કરવામાં આવ્યું હતું. સામાજિક અંતર ન જળવાતા કાર્યવાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે, 2 દિવસ પહેલા SG હાઇવે પર કાફે સીલ કર્યા હતા. હાઇકોર્ટના આદેશ બાદ AMCએ કડક કાર્યવાહી હાથ ધરી છે.