સ્કૂલ ફી મુદ્દે વાલીઓ માટે એક રાહતના સમાચાર છે. ગુજરાત સરકાર સ્કૂલ ફીમાં 25 ટકાના ઘટાડાની સત્તાવાર જાહેરાત કરી ચૂકી છે. જોકે વાલીઓ 50 ટકા ફી ઘટાડવાની માંગ કરી રહ્યા છે. સ્કૂલ ફીને લઇને વાલીઓ અને સ્કૂલ સંચાલકો વચ્ચે તણાતણીને સમાપ્ત કરવા માટે રાજ્ય સરકાર પ્રયત્ન કરી રહી છે. રાજ્ય સરકારે સ્કૂલ સંચાલકોને આ અંગે સમાધાન કરવાનો આગ્રહ કર્યો હતો. ત્યારબાદ શુક્રવારે સ્કૂલ સંચાલકો અને સરકારના પ્રતિનિધિઓ વચ્ચે મીટીંગ થઇ હતી. 29 તારીખે હવે વાલી મંડળ સાથે સરકાર વાતચીત કરશે.
બીજી તરફ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી સરકાર પર સ્કૂલ સંચાલકોના વકીલ બનવાનો આરોપ લગાવતાં સત્ર સંપૂર્ણ ફી માફ કરવાની માંગ કરી રહ્યા છે. ગુજરાતમાં ખાનગી સ્કૂલ સંચાલક પહેલાં વાલીઓને 25 ટકા શિક્ષણ ફી માફ કરવા માટે તૈયાર ન હતા, પરંતુ હાઇકોર્ટ તરફથી શિક્ષણ ફીની જવાબદારી રાજ્ય સરકાર પર છોડ્યા બાદ હવે તેના માટે તૈયાર છે, પરંતુ હવે વાલીઓ 50 ટકા ફી માફીની માંગ કરવા લાગ્યા છે.