મ્યુકરમાઇકોસિસની સારવાર માટે રૂપિયાની જરૂર હતી તો ટપાલ વિભાગે રૂ.૧૭ લાખ ખાતામાં કરાવ્યા જમા

શનિવાર, 22 મે 2021 (15:56 IST)
કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં મ્યુકરમાઇકોસિસનો રોગ હાલ જોવા મળી રહ્યો છે. ગુજરાત સરકારે  જ આ રોગને મહામારી જાહેર કરી છે. કોરોના કરતા આ રોગ વધુ ઘાતક અને તેની સારવાર પ્રમાણમાં મોંઘી હોવાથી દર્દીઓને ઘણીવાર આર્થિક રીતે ક્રાઇસિસ-સંકડામણની પરિસ્થિતિ અનુભવવી પડે છે. 
 
અમદાવાદના આવા જ એક કિસ્સામાં કેન્દ્ર સરકારના એક નિવૃત અધિકારીના પત્નીને મ્યુકરમાઇકોસિસ થતા ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર માટે મોટી રકમની જરૂર પડી હતી. નિવૃત્ત કર્મીના  પી.પી.એફ. ખાતાની રકમથી આ સારવારનો ખર્ચ ઉઠાવી શકાય તેમ હતું. 
 
નિવૃત્ત કર્મીએ આ માટે નવરંગપુરાના પોસ્ટમાસ્તર એ. આર. શાહનો સંપર્ક કરી પોતાની કપરી પરિસ્થિતિ વર્ણવી. ટપાલ વિભાગે ત્વરાએ પગલા લીધા. નવરંગપુરા પોસ્ટ ઓફિસના કર્મી ખાતાધારક પાસે ઉપાડ પાવતી સાથે પહોંચી ગયા અને ખાતાધારકને તાત્કાલિક રૂપિયાની જરૂર હોવાનું પ્રમાણ પણ મેળવી આવ્યા.
 
અરજી કર્યાના માત્ર ત્રણ કલાકના સમયગાળામાં ટપાલ વિભાગે નિવૃત્ત કર્મીને તેમની પત્નીની સારવાર માટેના રૂપિયા ૧૭ લાખ બચત ખાતામાં જમા કરી આપ્યા. 
 
સરકારની ડોરસ્ટેપ સર્વિસ કહો કે પોસ્ટ વિભાગનું ક્રાઈસિસ મેનેજમેન્ટ ખરા સમયના આ પ્રકારના સહકારથી મ્યુકરમાઇકોસિસના દર્દીની સારવાર હવે આર્થિક કારણોસર અટકશે નહીં.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર