ગુજરાતમાં કુલ 2281 દર્દીઓ સામે 5800 ઈન્જેકશન ફાળવાયા, હોસ્પિટલ બહાર જથ્થો નહીં હોવાના બોર્ડ લાગ્યા

શનિવાર, 22 મે 2021 (13:09 IST)
રાજ્યમાં કોરોના બાદ મ્યુકરમાઇકોસિસને મહામારી જાહેર કરવામાં આવી છે. આ રોગના સૌથી વધારે કેસ ગુજરાતમાં જોવા મળ્યા છે અને એમાં પણ અમદાવાદમાં 500 થી વધુ કેસ અત્યાર સુધી નોંધાઇ ચૂક્યા છે. ત્યારે આ રોગની સારવાર માટે ઈન્જેક્શન ક્યાં મળશે તેની ગડમથલ ચાલી રહી છે. ત્યારે કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડાએ ટ્વિટ કરીને રાજ્યોને ફાળવેલા ઈન્જેક્શનોની માહિતી આપી છે. જેમાં ગુજરાતમાં કુલ 2281 દર્દીઓ સામે 5800 ઈન્જેકશન ફાળવવામાં આવ્યાં છે.

બીજી તરફ શહેરમાં દર્દીઓ માટે મ્યુકોરમાઈકોસીસની સારવાર માટે તેમના સગાંઓ ઈન્જેક્શન લેવા માટે એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ સુધી દોડધામ કરી રહ્યાં છે. તેમને મોટી હાલાંકી ભોગવવી પડી છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન અને હોસ્પિટલ તંત્ર દ્વારા નાગરીકોને ખો આપીને વધુ તકલીફો આપવામા આવી રહી છે. ગઈ કાલે SVP હોસ્પિટલમાં ઈન્જેક્શન મળશે એવી જાહેરાત કરાઈ અને બાદમાં LG હોસ્પિટલમાં મળશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. હવે આજે LG હોસ્પિટલના ગેટ પર જ મ્યુકોરમાઇકોસીસના ઇન્જેક્શન નહીં હોવાના બોર્ડ પણ લગાવી દેવામા આવ્યાં છે. ત્યારે સવાલ એવો થાય છે કે સરકારે ફાળવેલા ઈન્જેક્શન ક્યાં અને કોની પાસેથી મળશે એવી સચોટ માહિતી નાગરીકોને કોણ આપશે? બીજું કે સરકારે જે હોસ્પિટલોને ઈન્જેક્શન ફાળવ્યાં છે તે હોસ્પિટલો નાગરીકોને આપવાનો ઈનકાર કેમ કરી રહી છે? રાજયમાં મ્યુકોરમાઇકોસીસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. અમદાવાદ શહેરમાં પણ મ્યુકોરમાઇકોસીસના કેસોની સંખ્યામાં ઉત્તરોતર વધારો થયો છે. શહેરની ખાનગી હોસ્પિટલોમા મ્યુકોરમાઇકોસીસના અનેક કેસ આવે છે. AHNAના સેક્રેટરી ડો. વીરેન શાહના જણાવ્યા નુજબ મ્યુકોરમાઇકોસીસના કેસો શહેરની ખાનગી હોસ્પિટલમાં આવી રહ્યા છે પરંતુ કેટલા કેસો છે તેનો ચોક્ક્સ આંકડો કહેવો મુશ્કેલ છે કારણકે દરેક ENT સ્પેશિયાલિસ્ટ તેની સારવાર કરે છે અને કોઈ જગ્યાએ સારવાર થતી હોય કે એવુ નથી માટે ચોક્કસ આંકડો કહેવો હાલ મુશ્કેલ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર