ગુજરાતમાં 2 વર્ષમાં ઝડપાયો રૂા.252,32,52,714 નો દારૂ, રૂપાણી સરકારે વિધાનસભામાં કર્યો ખુલાસો
ગાંધીનગર: રાજ્યમાં દારૂબંધી હોવા છતા કરોડો રૂપિયાનો દારૂ ઝડપાયો છે. એક તરફ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે પણ બીજી તરફ, સરકારે પોતે જ એ વાત કબૂલી છેકે, છેલ્લા બે વર્ષમાં રૂા.252 કરોડનો દેશી-વિદેશી દારૂ પકડાયો છે. કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્નોના જવાબમાં ખુદ સરકારે ગૃહમાં આંકડા રજૂ કર્યાં કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યમાંથી 1858217 લિટર દેશી દારૂ પકડાયો હતો. જયારે આ સમયગાળા દરમિયાન, 1701038 બિયરની બોટલો, 13801558 વિદેશી દારૂની બોટલો પકડાઇ હતી. દેશી દારૂ, બિયર અને વિદેશી દારૂની કુલ કિંમત રૂા.252,32,52,714 થવા જાય છે. સરકાર દ્વારા વિધાનસભામાં ચોંકાવનારા આંકડા રજૂ કરવામાં આવ્યા છે.
વિધાનસભાના શિયાળુ સત્રના પ્રથમ દિવસે ગૃહપ્રધાને માહિતી આપતા જણાવ્યુ ગુજરાતમાં 2 વર્ષમાં 252 કરોડ રૂપિયાનો દારૂ પકડાયો છે.સૌથી વધુ દારૂ રાજકોટમાંથી પકડાયો છે જ્યારે સૌથી વધુ વિદેશી દારૂ સુરતમાંથી પકડાયો છે. આ આંકડા જોતા એમ જ લાગે છે કે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે. થોડા સમય પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના દારૂના નિવેદન પર વિજય રૂપાણી ભડકી ગયા હતા.જોકે, હવે સરકારે જ સામેથી વિધાનસભા ગૃહમાં એક સવાલના જવાબમાં કેટલો દારૂ પકડાયો તેનો આંકડો જાહેર કર્યો હતો.
સુરતમાંથી 14 કરોડ 15 લાખ 92 હજાર 602ની કિંમતની કુલ 22 લાખ 59 હજાર 202 બોટલ ઝડપાઈ છે. જ્યારે બીજા નંબર પર વલસાડ છે. વલસાડમાંથી 17 કરોડ 15 લાખ 31 હજાર 770ની કિંમતની 17 લાખ 57 હજાર 889 વિદેશી દારૂની બોટલ ઝડપાઈ છે. તેમજ ત્રીજા નંબર પર પંચમહાલ છે. પંચમહાલમાંથી 6 કરોડ 20 લાખ 53 હજાર 596ની કિંમતની 8 લાખ 52 હજાર 590 વિદેશી દારૂની બોટલ ઝડપાઈ છે. તેમજ પાંચમાં નંબરે રહેલા અમદાવાદમાંથી રૂ.25 કરોડ 8 લાખ 68 હજાર 519ની કિંમતની 8 લાખ 39 હજાર વિદેશી દારૂની બોટલ પકડાઈ છે.
રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં 11 હજાર 831 કિલો ગાંજો પકડાયો હોવાનો સ્વીકાર કર્યો હતો. સૌથી વધુ સુરતમાં 3,534 કિલો ગાંજો ઝડપાયો છે. જ્યારે પાટણ જિલ્લામાંથી 2,462 કિલો અને આણંદમાંથી 2,225 કિલો ગાંજો પકડાયો છે. જ્યારે રાજ્યભરમાંથી 69.60 કિલો ચરસ અને 3236 કિલો અફીણ કબજે કરવામાં આવ્યું છે.