છેલ્લા બે વર્ષમાં 14ના મોત અને 71 ઘાયલ, 435 દીપડા પકડ્યા

મંગળવાર, 10 ડિસેમ્બર 2019 (13:42 IST)
વિધાનસભા ગૃહમાં આજે રાજ્યમાં દીપડાઓ દ્વારા થઈ રહેલા હુમલા અને મોત મામલે ખુલાસો થયો છે. રાજ્ય સરકારે સ્વીકાર્યું કે, છેલ્લા બે વર્ષમાં અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં દીપડાના હુમલામાં 71 લોકો ઘવાયા છે, જેમાં 14 લોકોના મોત થયા છે. જ્યારે 435 દીપડાઓને પકડવામાં આવ્યા છે. જેમાં જૂનાગઢમાં છેલ્લા બે વર્ષમાં દીપડાઓ દ્વારા 37 હુમલા થયા છે, જેમાં 6ના મોત નિપજ્યા છે, જ્યારે અમરેલીમાં થયેલા 43 હુમલામાં 8 લોકોના મોત થયા છે.
છેલ્લા 15 દિવસથી અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં દીપડાઓનો ખૌફ વધી રહ્યો છે. ખાસ કરીને છેલ્લા એક મહિનામાં દીપડાના હુમલામાં વધારો થયો છે, માત્ર એટલું જ નહીં દીપડાએ છેલ્લા અઠવાડીયામાં બે લોકોને ફાડી ખાતા સમગ્ર વિસ્તારના ખેડૂતો દીપડાના હુમલાઓથી ભયભીત છે અને સરકારે પણ દેખો ત્યાં ઠારના આદેશ આપી દીધો છે. તેની સાથે સાથે ધારાસભ્ય હર્ષદ રિબડીયા, સામાજિક આગેવાનો અને વન વિભાગ દીપડાને શોધવા માટે દોડધામ કરી રહ્યા છે.
બગસરા પંથકમાં આદમખોર દીપડાને પકડવા માટે વન વિભાગ અને પોલીસના 200 કર્મચારીઓ કામે લાગ્યા છે. તેમજ 7 શાર્પશૂટરો પણ તૈનાત કરી દેવામાં આવ્યા હતા. ત્યારે બગસરાના કાગદડી સીમમાંથી એક દીપડી પાંજરે પૂરાઇ છે. વન વિભાગ સાપરમાં દીપડાને શોધતું રહ્યું અને દીપડી કાગદડીમાં પાંજરે પૂરાઇ છે.કાગદડીના સરપંચ વિનુભાઇ કાનાણીની વાડીમાંથી દીપડી પાંજરે પૂરાઇ છે. રાતના 3 વાગ્યે દીપડી પાંજરે પૂરાતા વન વિભાગ દ્વારા તેને અન્ય સ્થળે ખસેડી છે. આ અંગે વન વિભાગના મુખ્ય સંરક્ષક એ.એમ. પરમારે દીપડી પાંજરે પૂરાયાની પુષ્ટી આપી છે. પરંતુ આ દીપડી માનવભક્ષી છે કે નહીં તે તપાસ બાદ જ ખબર પડશે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર