જમાલપુરની ટિકિટ મુસ્લિમ ઉમેદવારને આપવા જગન્નાથ મંદિરના મહંતે કરી ભલામણ
સોમવાર, 9 ઑક્ટોબર 2017 (16:46 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જમાલપુર-ખાડીયા બેઠક પર મુસ્લિમ ઉમેદવાર ઉસ્માનભાઇ ઘાંચીને ટિકિટ આપવા જગન્નાથ મંદિરના મહંત દ્વારા ભલામણ કરવામાં આવતા ભાજપની પ્રદેશ નેતાગીરી ગંભીર થઈ ગઈ છે. મુસ્લિમ મતદારોની બહુમતી ધરાવતા જમાલપુર-ખાડીયાના વર્તમાન ધારાસભ્ય ભુષણ ભટ્ટ સામે ભારે વિરોધનું વાતાવરણ ચાલી રહ્યું છે, ત્યારે આ બેઠક પરથી સ્થાનિક મુસ્લિમ આગેવાન ઉસ્માન ઘાંચીએ ભાજપના નિરીક્ષકો સમક્ષ દાવેદારી કરી હતી. ઉસ્માન ઘાંચીએ માત્ર મુસ્લિમ સમાજના આગેવાનો નહીં પરંતુ અન્ય સમાજના અગ્રણીઓ સાથે રજૂઆત કરી હતી.
ઉસ્માન ઘાંચીએ ટિકિટ માટે કરેલી દાવેદારીમાં એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે, તેઓ સંઘ પરિવાર સાથે પણ સંકળાયેલા છે અને સંઘને ફંડ પણ આપે છે. જમાલપુર-ખાડીયા બેઠક પરથી મુસ્લિમ આગેવાનની દાવેદારીની સાથે હિંદુ આગેવાનો અને સંસ્થાઓ દ્વારા પણ ભલામણ કરવામાં આવતા ભાજપની નેતાગીરી પણ વિચારતી થઈ ગઈ છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 150 બેઠકોનો ટાર્ગેટ મૂક્યો છે, ત્યારે એવી પણ શક્યતા છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વખત મુસ્લિમ સમાજના આગેવાનને ટિકિટ આપીને સાબિત કરી દે કે ભાજપ માત્ર હિન્દુઓની પાર્ટી નથી.