રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા અને આગોતરા આયોજન માટે મુખ્ય સચિવ ડો. અનિલ મૂકીમે રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા અને તમામ પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્યનું વહીવટી તંત્ર સુસજ્જ છે.
રાહત કમિશનર ડો. હર્ષદ પટેલે સમીક્ષા બેઠક બાદ મીડિયાને વિગતો આપતા કહ્યું કે, આગામી બે દિવસમાં ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી છે. સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યનું અને સ્થાનિક વહીવટીતંત્ર સુસજ્જ છે. ઉપરાંત ૧૩ NDRFની ટીમો તૈનાત કરી દેવાઈ છે. અને SDRFની ૧૧ તથા NDRFની ૦૨ ટીમો એમ અન્ય ૧૩ ટીમો રિઝર્વ રાખવામાં આવી છે.
રાજ્યમાં અતિભારે વરસાદ થવાની આગાહી છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મોરબી અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને પરિણામે સ્થાનિક વહીવટી તંત્રને સતર્ક રહેવા સૂચનાઓ જારી કરી દેવાઈ છે. એ જ રીતે આગામી બે દિવસમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા,પાટણ, મહેસાણા સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાઓમાં તથા પૂર્વ મધ્ય ગુજરાતના દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, ખેડા, અમદાવાદ, પંચમહાલ અને વડોદરા. દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ અને સુરત તથા સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, કચ્છ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર પોરબંદર, મોરબી સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેના આધારે સમગ્ર સ્થિતિ પર રાજ્યકક્ષાએથી સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. આજે યોજાયેલી બેઠકમાં મુખ્ય સચિવ દ્વારા જરૂરી સમીક્ષા અને સૂચનો કરાયા હતા.
રાજ્યમાં ૫૭ તાલુકાઓ એવા છે કે જેમાં મોસમનો ૧૦૦૦ મીમી થી વધુ વરસાદ વરસ્યો છે. એ જ રીતે ૧૨૯ તાલુકાઓમાં ૫૦૧ થી ૧૦૦૦ મીમી સુધી, ૬૩ તાલુકાઓમાં ૨૫૧ થી ૫૦૦ મીમી સુધી અને માત્ર બે તાલુકામાં ૧૨૬ થી ૨૫૦ મીમી સુધી વરસાદ વરસ્યો છે. જ્યારે એક પણ તાલુકો એવો નથી કે જ્યાં પાંચ ઈંચથી ઓછો વરસાદ વરસ્યો ના હોય. આમ સમગ્ર રાજ્યમાં મોસમનો સરેરાશ વરસાદ ૯૪.૫૭ ટકા જેટલો થઈ ગયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ ૧૬૨.૮૧ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૨૩.૫૯ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૮૬.૧૯ ટકા, ઉત્તર ગુજરાતમાં ૭૫.૧૫ ટકા અને પૂર્વ મધ્ય ગુજરાતમાં ૭૩.૭૭ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.