હેડ ક્લાર્ક પરીક્ષા : પેપર લીક કેસના તાર સાબરકાંઠા સુધી પહોંચ્યા, કોણે ખરીદ્યું હતું નવ લાખમાં પેપર?
સોમવાર, 20 ડિસેમ્બર 2021 (08:02 IST)
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યમાં હેડ ક્લાર્કની ખાલી પડેલી 186 જગ્યાઓ માટેની પરીક્ષાનું પરીક્ષાનું પેપર લીક થયું હોવાનો દાવો કરાયો હતો અને ગુજરાત સરકારે તેની પુષ્ટિ કરી હતી.
આ પેપર લીક કેસના તાર સાણંદથી સાબરકાંઠા સુધી પહોંચ્યા હોવાનો ખુલાસો કરાયો છે.
પોલીસે આ મામલે જ્યાં પેપર છપાયું હતું એ પ્રિન્ટિંગ પ્રેસના સુપરવાઇઝરની ધરપકડ કરી છે.
ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી. ઝાલાએ બીબીસીના સહયોગી ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં જણાવ્યું છે, "જયેશ પટેલ અને તેના ભત્રીજા દેવલ પટેલને અમદાવાદની એક સરકારી હૉસ્પિટલમાં મૅલ નર્સ તરીકે કામ કરતા દીપક પટેલ અને ખાનગી હૉસ્પિટલમાં નાઇટ મૅનેજર તરીકે કામ કરતાં મંગેશ શિરકેએ નવ લાખ રૂપિયામાં પેપર આપ્યું હતું."
"આ પેપર સાણંદમાં રહેતા અને ગૌણ સેવા પસંદગી મંડળે જે પ્રિન્ટિંગ પ્રેસમાં છાપવા માટે આપ્યું હતું એ પ્રિન્ટિંગ પ્રેસના સાણંદમાં રહેતા સુપરવાઇઝર કિશોર આચાર્ય પાસેથી ખરીદ્યું હતું. જયેશ પટેલ અને દેવલ પટલે આ પેપરને પ્રાંતિજના ઊંછ ગામે અને વિસનગરના બાસણા ગામે પહોંચાડ્યું હતું."
આ મામલે અત્યાર સુધી 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય આરોપી જયેશ પટેલ ફરાર છે.
આ પહેલાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીએ પેપર લીક થયા હોવાની વાત સ્વીકારતાં કહ્યું હતું કે પ્રથમ દિવસથી જ તપાસ ચાલુ કરવામાં આવી હતી.
ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું, "પેપર લીકની તપાસ માટે સાબરકાંઠા તથા રાજ્ય સરકારના અધિકારીઓની 24 ટીમો બનાવાઈ છે. શંકાસ્પદ લોકો ભાગી ન છૂટે તે માટેની તૈયારીઓ કરાઈ રહી છે."
તેમણે જણાવ્યું કે, "રાજ્ય સરકારે પ્રાંતિજ પોલીસસ્ટેશનમાં 406, 409 અને 420 તથા 120ની કલમ હેઠળ કેસ દાખલ કર્યો છે. લીક થયેલું પેપર ક્યાં અને કોની પાસે પહોંચ્યું છે તેની પણ તપાસ ચાલુ છે."
હર્ષ સંઘવીએ કહ્યું કે, "આરોપીઓ પહેલાં સાબરકાંઠાના ફાર્મ હાઉસ પર ગયા હતા ત્યાર બાદ પેપર ફોડનારાઓ અન્ય આરોપીઓને હોટેલમાં જમવા લઈ ગયા હતા."
તેમણે એવું પણ જણાવ્યું કે પેપર લીક કેસમાં ગાંધીનગર પોલીસની મદદ લેવાઈ છે.
ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું, "પેપર લીકની તપાસ માટે સાબરકાંઠા તથા રાજ્ય સરકારના અધિકારીઓની 24 ટીમો બનાવાઈ છે. શંકાસ્પદ લોકો ભાગી ન છૂટે તે માટેની તૈયારીઓ કરાઈ રહી છે."
તેમણે જણાવ્યું કે, "રાજ્ય સરકારે પ્રાંતિજ પોલીસસ્ટેશનમાં 406, 409 અને 420 તથા 120ની કલમ હેઠળ કેસ દાખલ કર્યો છે. લીક થયેલું પેપર ક્યાં અને કોની પાસે પહોંચ્યું છે તેની પણ તપાસ ચાલુ છે."
હર્ષ સંઘવીએ કહ્યું કે, "આરોપીઓ પહેલાં સાબરકાંઠાના ફાર્મ હાઉસ પર ગયા હતા ત્યાર બાદ પેપર ફોડનારાઓ અન્ય આરોપીઓને હોટેલમાં જમવા લઈ ગયા હતા."
તેમણે એવું પણ જણાવ્યું કે પેપર લીક કેસમાં ગાંધીનગર પોલીસની મદદ લેવાઈ છે.
આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે પ્રાંતિજમાં જે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે તેમાં જે કલમો દાખલ કરવામાં આવી એ હળવી કલમ છે. કૌંભાડ કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવે.
તેમણે વધુમાં કહ્યું કે પેપર હિંમતનગરથી લીક થયું હતું એવું પણ સામે આવ્યું છે તો ગૌણ સેવા પસંદગી મંડળ આ મામલામાં સીધા સંકડાયેલા છે તો તેમા અધ્યક્ષ આસિત વોરાને તપાસમાંથી દૂર કરવામાં આવે. ક્યાંક શંકા વોરા પર પણ છે તો તેમને તપાસથી અલગ કરવા જોઈએ. અને જો તેઓ આમાં સંડોવાયેલા હોય તો તેમની સામે પણ કાર્યવાહી કરવી જોઈએ.
યુવરાજસિંહે કહ્યું કે તેમની પાસે કેટલાક ગોપનીય પુરાવા છે જે અમે હર્ષ સંઘવીને આપવા માગીએ છીએ.
તેમણે અન્ય આરોપીઓની ધરપકડ કરવાની માગ પણ કરી.
યુવરાજસિંહે કહ્યું કે પોલીસ હજી વચેટિયાઓની ધરપકડ કરી છે અને મુખ્ય આરોપીઓ પોલીસની પકડથી બહાર છે. આ વચેટિયાઓ કમિશન લેતા હતા, યોગ્ય તપાસ કરવામાં આવશે તો મુખ્ય આરોપીઓ મળી આવશે.
આની પહેલાં યુવરાજસિંહ જાડેજાએ બીબીસી ગુજરાતીના બાદલ દરજી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ”શનિવારની રાત્રે હિંમતનગરના એક ફાર્મહાઉસમાં 16 ઉમેદવારોને આ પેપર મળ્યું હતું.”
“આ 16 વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થીના સંબંધીએ આવીને મને આ વાત કહી હતી અને તેના માટે તેમણે પૈસા ખર્ચ્યા હોવાનું પણ જણાવ્યું હતું.”
તેમણે એવું પણ કહ્યું છે કે, “બીજા દિવસે પરીક્ષા પૂરી થયા બાદ અમારી સંસ્થા સાથે જોડાયેલો એક યુવક મારી પાસે આવ્યો હતો અને એણે પણ કહ્યું હતું કે આ પેપર સવારે 10 વાગ્યે સોશિયલ મીડિયામાં ફરતું-ફરતું તેની પાસે આવ્યું હતું.”
જાડેજાનો દાવો છે કે “જ્યારબાદ ઊલટ તપાસ કરતા લીક થયેલું પેપર માત્ર હિંમતનગરમાં જ નહીં, પરંતુ સુરેન્દ્રનગર, વડોદરા, કચ્છ સુધી પહોંચી ગયું હતું.”
યુવરાજસિંહના જણાવ્યા પ્રમાણે, "લીક થયેલા પેપર માટે ઉમેદવારો પાસેથી 10થી 14 લાખ રૂપિયા જેટલી રકમ લેવામાં આવી છે અને આ જ પ્રકારે સબ-ઑડિટર અને નર્સની પરીક્ષામાં પણ આ જ રીતે પેપર લીક થયાં હતાં."
યુવરાજસિંહ જાડેજાનો દાવો છે કે તેમની પાસે પેપર લીક થયાના પુરાવા છે.
સાથે જ તેમનું કેહવું છે કે આ અંગે તેમણે ગૌણ સેવા પસંદગી સમિતિના સચિવને ટેલિફોનિક જાણ કરી છે.
જોકે તેમના દ્વારા અત્યાર સુધી આ અંગે પોલીસ કે પછી ગૌણ સેવા પસંદગી સમિતિને લેખિતમાં ફરિયાદ કે રજૂઆત કરવામાં આવી નથી.
યુવરાજસિંહ બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં ગૌણ સેવા પસંદગીમંડળના ચૅરમૅન અસિત વોરાને હઠાવવા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આ મામલે હસ્તક્ષેપ કરવા ભલામણ કરી હતી.
આ આક્ષેપો બાદ ગુજરાત ગૌણ સેવા પસંદગીમંડળના ચૅરમૅન અસિત વોરાએ ગત બુધવારે પત્રકારપરિષદ યોજીને આ અંગે ખુલાસો કર્યો હતો.
તેમણે કહ્યું કે "પેપર લીક થવાની વાત જ્યારથી વહેતી થઈ છે, ત્યારથી આજ સુધી તેમની પાસે લેખિતમાં કોઈ ફરિયાદ આવી નથી."
"સોશિયલ મીડિયા પર વહેતા થયેલા ફોટો અને યુવરાજસિંહ દ્વારા રજૂ કરાયેલા પુરાવા પરીક્ષા બાદના હતા. જેથી તે યોગ્ય નથી."
જોકે પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી તપાસ અંગે પણ તેમણે વાત કરી હતી.
તેમણે કહ્યું કે, "સમાચારપત્રો અને ટીવી મીડિયામાં વહેતા થયેલા અહેવાલો બાદ સાબરકાંઠા પોલીસ દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને પોલીસે તેમની પાસેથી પરીક્ષાને લગતી તમામ માહિતી મેળવી હતી."