મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1ની કિંમત રૂપિયા 12020.32કરોડ
સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1ની 40.35 કિલોમીટર લંબાઈ માટે કુલ મંજૂર પ્રોજેક્ટ કિંમત રૂપિયા 12020.32કરોડમાંથી રૂપિયા 5434.25 કરોડ લોન મારફત મેળવવાનું આયોજન હતું. જે પૈકી રૂપિયા 3464 કરોડની લોન કે.એફ.ડબલ્યુ (KFW) પાસેથી અને બાકીના રૂપિયા 1970 કરોડ ફ્રેન્ચ ડેવલપમેન્ટ બેંક -AFD પાસેથી મળશે.
મેટ્રો પ્રોજેક્ટને કારણે લોકો ટ્રાફિકની સમસ્યાથી બચી શકશે
મેટ્રો પ્રોજેક્ટ સાકાર થાય તો સુરત શહેરમાં માસ ટ્રાન્સપોર્ટ માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે એમ છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન જીએમઆરસી લિમિટેડે લોકો માટે સસ્તી, સુલભ, ઝડપી અને સુરક્ષિત જાહેર પરિવહન સેવા પૂરી પાડવાના ઉદ્દેશ્યની સફરમાં એક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. મેટ્રો પ્રોજેક્ટને કારણે લોકો ટ્રાફિકની સમસ્યાથી બચી શકશે.
2024માં સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટના બાંધકામનું લક્ષ્યાંક
સુરત મહાનગરપાલિકા દ્વારા મેટ્રો વર્ષ 2024માં સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટના બાંધકામનું લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે નક્કી કરવામાં આવ્યો છે. શહેરમાં જે પ્રકારે મેટ્રો ટ્રેનની કામગીરી થઇ રહી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે નિર્ધારિત સમયમાં આ કામ પૂર્ણ થઈ શકશે. જોકે મેટ્રો પ્રોજેક્ટને કારણે શહેરમાં ઘણી સુવિધાઓ ઉભી થઇ રહી છે. પરંતુ કોર્પોરેશનના અધિકારીઓનું માનવું છે કે એક વખત મેટ્રો પ્રોજેક્ટ સાકાર થઇ ગયા બાદ શહેરના લોકો માટે આ પ્રોજેક્ટ આશીર્વાદરૂપ બની રહે છે.
શહેર માટે અને લોકો માટે ખૂબ જ લાભપ્રદ રહેશે
જે રીતે શહેરનો વ્યાપ સતત વધી રહ્યો છે તેમ જ વસ્તી પણ વધી રહી છે. તેના પ્રમાણમાં વ્હિકલોની સંખ્યામાં પણ ખૂબ જ વધારો થઈ રહ્યો છે. સુરત જેવા ઔદ્યોગિક શહેરમાં ટ્રાફિકની મુશ્કેલીની સાથે હવાનું પ્રદૂષણ પણ સતત વધી રહ્યું છે. તેવા સમયે લોકોને ખુબ જ ઓછા દરે પોતાના ગંતવ્ય સ્થળ ઉપર જવા માટેની વ્યવસ્થા થશે તો તે શહેર માટે અને લોકો માટે ખૂબ જ લાભપ્રદ રહેશે.