ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ થઇ ગઇછે અને પ્રચારના પડઘમ શાંત થઇ ગયા છે. ત્યરે ભરૂચ તાલુકાના બંબુસર ગામે ચૂંટણી પહેલા જ અઘટિત બનાવ બન્યો છે. છેલ્લા 20 વર્ષથી આ ગામમાં 20 વર્ષ ચૂંટણી યોજાઇ નથી, છેલ્લી 4 ટર્મથી સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવતા 54 વર્ષીય ઉસ્માન પટેલનું હાર્ટ એટેકથી નિધન થયું છે સમગ્ર ગામમાં શોકનો માહોલ સર્જાયો છે.
1200 લોકોની વસ્તી ધરાવતા આ ગામમાં છેલ્લા 20 વર્ષોથી ચૂંટણી યોજાઇ જ નથી, ગ્રામજનોની એકતાના લીધે છેલ્લી 4 ટર્મથી 54 વર્ષીય ઉસ્માનભાઇ પટેલ બિનહરિફ ચૂંટાતા આવતા હતા અને તેમણે ગામમાં વિકાસના અનેક કાર્યો કર્યા છે. તેમની લોકચાહના અને કામગીરીના લીધે લીધે છેલ્લી ચાર ટર્મથી ચૂંટણીના બ્યૂંગલ સંભળાયા નથી.
મામલતદારે જણાવ્યું હતું કે મતદાનનાં બે દિવસ પહેલા જ સરપંચ પદના ઉમેદવારનું નિધન થયુ છે. આ અંગે ગ્રામ્ય મામતદાર રોશની પટેલનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતું કે, આવા સંજોગોમાં સરપંચ પદ માટેનું મતદાન નહીં થાય. અમે આ અંગે રાજ્ય ચૂંટણી આયોગને જાણ કરીશું. પાછળથી સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાશે. હાલમાં માટે સભ્ય પદ માટે મતદાન થશે. ઉલ્લેખનીય છે કે, ઉસ્માનભાઈની વિકાસશીલ પેનલના ચાર સભ્યો પહેલા જ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતાં.